Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા AHPના પ્રદેશ પ્રમુખની મધરાત્રે અમદાવાદમાં અટકાયત

ભગવાન રામ-જાનકી માતાની રથમાં મૂર્તિ રાખી પૂજાનું આયોજન કરેલું

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વડાપ્રધાન  મોદી દ્વારા થાય તે પહેલા રાણીપ પોલીસે AHP (આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ)ના રાષ્ટ્રીય બજરંગદળના ગુજરાત પ્રદેશ પ્રમુખની અટકાયત કરી હતી.

AHP દ્વારા અયોધ્યા રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દરેક ચાર રસ્તા પર રથમાં ભગવાન રામ અને જાનકી માતાની રામ મંદિર શિલાન્યાસ વખતની પ્રાચીન મૂર્તિઓની પૂજાનું આયોજન કરવામા આવ્યું હતું. જો કે તે પહેલાં જ પોલીસે AHP આગેવાનની પરોઢે 2 વાગ્યે અટક કરતા સોશિયલ મીડિયા પોસ્ટ ફરતી થઈ હતી.

AHPના રાષ્ટ્રીય બજરંગદળના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુંજ પારેખની રાણીપ પોલીસે અટકાયત કરીને ભગવાન રામ અને જાનકી માતાની મૂર્તિઓ કબ્જે લઈ સુરક્ષિત રાખી હતી. પારેખની અટકાયત બાદ સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી પોસ્ટ ફરતી થઈ કે પ્રભુ રામના અવસરમાં પણ સરકારને તકલીફ.

 

AHP દ્વારા આ અગાઉ પણ ભગવાન જગન્નાથ રથયાત્રા મુદ્દે સરકારને ભીંસમાં લેવા પ્રયાસ થયો હતો. રથયાત્રા કાઢવાની જાહેરાત AHPના આગેવાન નિકુંજ પારેખ દ્વારા કરવામાં આવી હતી. આ મુદ્દે હાઇકોર્ટમાં રથયાત્રા કાઢવા મંજૂરી માંગતી પિટિશન પણ એએચપી દ્વારા કરવામાં આવી પણ હાઇકોર્ટે તે પિટિશન કાઢી નાખી હતી. રાજ્ય સરકાર આ મામલો થાળે પાડવામાં સફળ રહી હતી.

અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્યને શરૂ કરવા હેતુથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન થવાનું છે. તે પહેલા એએચપી દ્વારા અમદાવાદ શહેરમાં દરેક ચાર રસ્તા પર રથ કાઢી તેમાં ભગવાન રામ અને જાનકી માતાની પ્રાચીન મૂર્તિની પૂજાનો કાર્યક્રમ 15 જેટલા કાર્યકરોની હાજરીમાં રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

જોકે રાણીપ પોલીસે આજે પરોઢે બે વાગ્યે નિકુંજ પારેખની અટકાયત કરી લીધી હતી. આ અંગે નિકુંજ પારેખે જણાવ્યું હતું કે, સરકારને ભગવાન રામના અવસરમાં પણ તકલીફ પડે છે. મારી અટકાયત કરીને ખોટું કર્યું છે. ભગવાન રામ-જાનકી માતાની રથમાં મૂર્તિ રાખી પૂજાનું આયોજન કરવું તે કોઈ ગુનો નથી પણ છતાં સમને દબાવવા માટે ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. પોલીસ ભગવાનની મૂર્તિઓ પણ પોતાની પાસે રાખી લીધી છે.

(12:40 pm IST)