Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

એક સીટ પર એક જ પેસેન્જર ન પોસાતા ખાનગી બસોએ ૨૫-૩૦% ભાડુ વધાર્યુ

કોરોના મહામારીને કારણે ખાનગી ટ્રાન્સપોર્ટ વ્યવસાયને આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે, બીજી તરફ એક સીટ પર એક જ પેસેન્જર ન પોસાતા ખાનગી લકઝરી બસોએ ૧૫૦થી ૨૦૦ રૂપિયા ભાડું વધારી દીધું છે

 અમદાવાદ,તા.૫ : કોરોના મહામારી અને લોકડાઉનને કારણે લગભગ બધા સેકટરમાં ઊંચા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ ભારે આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત બનાવ્યું છે. ત્યારે બસમાં મુસાફરી દરમિયાન એક સીટ પર એક જ મુસાફર બેસી શકે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક સીટ પર એક જ મુસાફર ન પોસાતા ખાનગી લકઝરી બસોએ ભાડામાં ૧૫૦થી ૨૦૦ રૂપિયાનો વધારો કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ખાનગી લકઝરી બસોએ અમદાવાદથી ભૂજનું ભાડું ૬૦૦થી વધારીને ૭૫૦, અમદાવાદથી સુરતનું ભાડું ૩૦૦થી વધારીને ૩૭૫, અમદાવાદથી અમરેલીનું ભાડું ૨૫૦થી ૩૫૦ જયારે અમદાવાદથી રાજકોટનું ભાડું ૪૦૦થી વધારીને ૬૦૦ રૂપિયા કરી દીધું છે. ભાડામાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થતા મુસાફરોના ખિસ્સા પર આર્થિક ભારે પડ્યો છે અને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

અખિલ ગુજરાત પ્રવાસી વાહન લકઝરી સંચાલક મંડળના ખજાનચીના જણાવ્યાનુસાર કોરોનાને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરમાં લકઝરીનો પ્રવેશ બંધ છે. જયારે રાજસ્થાનમાં જોધપુર અને જયપુર સહિતના શહેરોમાં ૧૫ ટકા લકઝરીની અવર-જવર છે. જોકે, ગુજરાતમાં મોટાભાગે તમામ રૂટ્સ પર ખાનગી બસો ચાલી રહી છે. પરંતુ તેમા મુસાફરોની ભીડ ઓછી હોવાથી બસો ખાલીખમ દોડી રહી છે. ૩૬ સીટ પર ૧૭-૧૮ મુસાફરો બેસાડાય છે. ડીઝલ, ડ્રાઈવર-કલીનરનો ખર્ચ તો ઠીક બસના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી છે

(11:27 am IST)