Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

UPSC પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ : દેશમાં 84મા ક્રમાંકે ઉત્તીર્ણ

IAS કેડર નહીં મળતા IPS કેડરમાં પ્રવેશ મેળવી UPSC ની પરીક્ષા આપી IAS થવાનું સપનું પૂરું કર્યું

સુરતઃ UPSCના પરિણામોમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 84મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.

 કાર્તિકની ઈચ્છા હતી કે તે IAS કેડરમાં પસંદગી પામી સુરતનો પ્રથમ IAS બનવા માંગતો હતો. જો કે તેને IAS કેડર નહીં મળતા IPS કેડરમાં પ્રવેશ મેળવી તેને પોતાની ટ્રેનિંગ દરમિયાન ફરીથી UPSCની પરીક્ષા આપી પોતાનું IAS થવાનું સપનું પૂરું કર્યું હતું.

  હૈદરાબાદ ખાતે IPSની ટ્રેનિંગ મેળવી રહેલા સુરતના કાર્તિક જીવાણીએ ત્રીજી વખત UPSC પરીક્ષા પાસ કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. કાર્તિકે ગુજરાતમાં પ્રથમ ક્રમ બીજી વખત મેળવ્યો છે. આજે UPSCની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં કાર્તિકે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઓલ ઇન્ડિયાની વાત કરવામાં આવે કાર્તિકે 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

 ગુજરાતી મીડિયમમાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર કાર્તિકે IIT મુંબઈમાં બી.ટેક કર્યું છે અને ત્યાર બાદ 2019માં UPSCની પરીક્ષામાં ઓલ ઓલ ઇન્ડિયામાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જો કે તેની પસંદગી IPS માટે થઈ હતી. જો કે કાર્તિકના દિલ અને દિમાગમાં સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એસ.આર.રાવ વસી ગયા હતાં. કાર્તિક એસ.આર.રાવની જેમ IAS બનવા માંગતો હતો અને જેથી તેને ફરીથી UPSC જેવી અઘરી પરીક્ષા બીજી વખત આપવાનો નિર્ણય કર્યો હતો. આજે જ્યારે UPSCની પરીક્ષાનું પરિણામ આવ્યું તો તેને ગત પરીક્ષા કરતાં 10 ક્રમાંક આગળ વધી 84મો ક્રમ મેળવી પોતાનું IAS થવાનું સપનું સાકર કર્યું છે.

 કાર્તિક માટે આ પરિણામ એટલા માટે મહત્વનું બન્યું છે કારણ કે 2017માં પ્રથમ પ્રયત્ને તે નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ તેને સખત અને આકરી મેહનત – પરિશ્રમ પછી સફળ પરિણામ અને 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જો કે બીજા પ્રયાસમાં કાર્તિક જે ન કરી શક્યો તે તેને ત્રીજા પ્રયાસમાં હાંસલ કરી બતાવ્યું.

(9:57 pm IST)