Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ગુજરાતમાં કાર - ટુ વ્હીલર્સનાં વેચાણમાં ધરખમ ઘટાડોઃ ઓટોમોબાઇલ સેકટરમાં મંદીની અસર

વાહનોના વેચાણમાં એક દાયકાનો સૌથી મોટો ઘટાડો

નવી દિલ્હી, તા.પઃ ઓટોમોબાઇલ સેકટરમાં ઘેરી મંદી પ્રર્વતી રહી છે અને તેની અસર વાહનોના વેચાણ ઉપર પડી છે ગુજરાતમાં કાર અને ટુ-વ્હીલરનું વેચાણ જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૯ વચ્ચે નોંધપાત્ર રીતે પાંચ ગણું ઘટ્યું છે. આંકડા જણાવી રહ્યા છે કે આ વર્ષ દરમિયાન સમગ્ર ભારતમાં વાહનોનું રજીસ્ટ્રેશન ૪.૪ ગણું ઘટયું છે. ગુજરાતમાં ૨૦૧૯માં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન ૨૦.૭૮ ટકા ઘટીને ૬.૧ લાખ યુનિટ રહ્યા છે. જયારે ૨૦૧૮માં આ આંકડો ૭.૭ લાખ યુનિટ હતો. રાજયમાં બધા પ્રકારના વાહનોનું રજીસ્ટ્રેશન ૧૮.૫ ટકા ઘટ્યું છે. અધિકારીઓનું જણાવ્યું હતું કે, વાહનોના વેચાણમાં આ પાછલા એક દાયકામાં સૌથી મોટો ઘટાડો છે. અમદાવાદ શહેરમાં પણ વાહનોનું રજીસ્ટ્રેશન ઘટ્યું છે. સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ RTO માં અનુક્રમે ૨૦.૫ ટકા અને ૨૪.૫ ટકા ઓછાં ટુ-વ્હીલર્સ રજીસ્ટ્રેર થયા છે. ઓટોમોબાઈલ ડીલર્સના કહેવા મુજબ ગ્રાહકોનો નબળી ઈચ્છાશકિત અને માર્કેટમાં કેશ ફ્લોના પ્રોબ્લેમની અસર વાહનોના રજીસ્ટ્રેશન પર પડી છે. ગુજરાત FADA ના પ્રાદેશિક ડિરેકટર પ્રણવ શાહે કહ્યું, કેન્દ્ર સરકારે વાહનોના રજીસ્ટ્રેશનની કિંમતમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ટુ-વ્હીલર્સ માટે ૫ વર્ષનો વીમો ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે જેના કારણે વાહનોની કિંમત પણ વધી છે.

ટુ-વ્હીલર્સની સાથે કાર માર્કેટમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. વાહનોના રજીસ્ટ્રેશનના આંકડા પરથી જાણી શકાય છે કે ગુજરાતમાં કારનું રજીસ્ટ્રેશન જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ૧૭.૧ ટકાના ઘટાડા સાથે ૧.૬ લાખ રહ્યું હતું. જયારે ૨૦૧૮માં આ આંકડો ૧.૯૩ લાખ યુનિટનો હતો.

આ મંદી પાછળનું એક કારણ મોડું ચોમાસું પણ છે. પ્રણવ શાહ કહે છે, વર્ષમાં આ સમયે ટુ-વ્હીલર ડીલર્સને ઈન્કવાયરી મળવાનું શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે માર્કેટમાં મંદીની સ્થિતિ છે. રથયાત્રા જેવા તહેવારમાં પણ પાછલા વર્ષની તુલનાએ ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આ પહેલા માત્ર ૩૫ ટકા જેટલા ટુ-વ્હીલર્સ ખરીદનારા ગ્રાહકો ફાઈનાન્સ ઓપ્શન પસંદ કરતા. હવે આ આંકડો વધીને ૫૫ ટકા પહોંચી ગયો છે જે દર્શાવે છે કે માર્કેટમાં કેશ ફ્લો ઓછો થઈ ગયો છે. પરિણામે ટુ-વ્હીલર્સ ડિલરોને નવરા બેસી રહેવાનો વારો આવ્યો છે.

(10:23 am IST)