Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

તંત્રના પાપે કીમ ગામે પોસ્ટ ઓફિસ રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી

ભારે જહેમત બાદ સ્થાનિકોએ ગાયને ગટરમાંથી બહાર કાઢી: ગાયને બહાર કાઠવા માટે ગટરની ટાંકી તોડવી પડી

સુરત: શહેરમાં અનેક વિસ્તારોમાં તંત્રની બેદરકારીના લીધે મોટી ખુલ્લી ગટરો છે જેમાં અનેક વાર પશુઓ પડી જતા હોવાની પણ ઘટનાઓ બને છે. ત્યારે આજે આવી વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં કીમ ગામે પોસ્ટ ઓફિસ રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડતાં સ્થાનિકોએ તેનો જીવ બચાવ્યો હતો. જોકે ગાયને બહાર કાઠવા માટે ગટરની ટાંકી તોડવી પડી હતી.

શહેરમાં ફરી એકવાર ખુલ્લી ગટરમાં ગાય પડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કીમ ગામે પોસ્ટ ઓફિસ રોડ પર આવેલી ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. આ ગાયને ગટરમાં ફસાઇ ગયેલી નજરે પડતા લોકોએ મહામહેનતે તેને ગટર તોડીને બહાર કાઢી હતી.

 

સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે મુંગા પશુઓને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન કરવામાં આવતા હોય છે. જેથી ચોમાસાના સમયમાં અનચ્છિનીય ઘટના ન બને. પરંતુ ખુલ્લી ગટરો ચોમાસાના સમયમાં સૌથી વધુ જોખમી સાબિત થતી હોય છે. ભારે વરસાદના સમયમાં પશુઓના સ્થાને માણસો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આ બનાવને પગલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ખુલ્લી ગટરોમાં અનેકવાર પશુઓ પડી જતા હોવાની ઘટનાઓ સામે આવે છે. કેટલીક વખત ખુલ્લી ગટરોમાં પડી જવાને કારણે પશુઓ મોતને પણ ભેટતા હોય છે. તેમ છતાં પાલિકા દ્વારા ગટરોને ઢાંકવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અગાઉ પણ ઘણી વખત શહેરમાં ખુલ્લી ગટરમાં પશુઓ પડવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે આવી ખુલ્લી ગટરો પર જાળી મૂકવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાથી બચી શકાય છે.

(7:32 pm IST)