Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સંઘ પ્રદેશ દમણમાં નશીલા પાવડર એમડી ડ્રગ્‍સનો કારોબાર કરતા ત્રણ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

એમડી ડ્રગ્‍સના રેકેટમાં આરોપી ડ્રગ્‍સ ક્‍યાંથી લાવ્‍યા અને કઇ જગ્‍યાએ સપ્‍લાય કરતા હતા તે બાબતે પોલીસ તપાસ

દમણઃ પર્યટન સ્‍થળ દમણમાં પોલીસે શંકાના આધારે 41.24 ગ્રામ એમડી ડ્રગ્‍સ સાથે આરોપી ઉમેશ દિનેશ પટેલ, શિવમ બિપીન શ્રીવાસ્‍તવ અને સુલેમાન મન્‍સુરીની ધરપકડ કરી છે. જેમાંથી અલી સુલેમાન મુંબઇનો છે. આ નશીલો પદાર્થ એમડી ડ્રગ્‍સ ક્‍યાંથી લાવ્‍યા અને કોણે મંગાવ્‍યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સંઘપ્રદેશ દમણમાં નશાના કાળા કારોબાર નો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ વખતે એમડી ડ્રગ્સ સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી દમણ પોલીસે આ ડ્રગ્સના રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ દેશભરના પર્યટકો પ્રવાસીઓ માટે જાણીતું અને માનીતું સ્થળ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ફરવા આવે છે. ત્યારે આ પ્રવાસન સ્થળમાં નશાનો કાળો કારોબાર ચલાવવા કેટલીક ગેંગ સક્રિય હતી. એવામાં દમણ પોલીસને મળેલી બાતમીના આધારે દમણ પોલીસ ડાભેલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કિંગ બાર નજીકથી નંબર વગરની પસાર થઈ રહેલી બાઈકને અટકાવી હતી. જેમાં બે યુવકો સવાર હતા.

પોલીસે શંકાના આધારે તેમની તપાસ કરતાં તેમની પાસેથી સફેદ પાવડર જેવો એક પદાર્થ મળી આવ્યો હતો. આથી પોલીસને શંકા જતા એફએસએલની ટીમને બોલાવી અને આ સફેદ પાવડરની તપાસ કરતાં તે સફેદ પાવડર એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓની પૂછપરછ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસે 41.24 ગ્રામ જેટલું એમડી ડ્રગ ઝડપી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દમણ પોલીસે આ કેસમાં આરોપીઓ ઉમેશ દિનેશ પટેલ, શિવમ બિપીન શ્રીવાસ્તવ અને અલી સુલેમાન મન્સુરીની ધરપકડ કરી છે. જેમાંથી અલી સુલેમાન મુંબઈનો રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં એક આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો છે. જેની સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.

નાનકડા સંઘપ્રદેશ દમણમાં નશાના કાળો કારોબારના રેકેટનો પર્દાફાશ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ પ્રદેશના યુવાધનને નશાના રવાડે ચઢતા બચાવવા દમણ પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. એમડી ડ્રગ્સના રેકેટમાં આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા, કઈ જગ્યાએ સપ્લાય કરતા હતા અને અત્યાર સુધી ક્યાં ક્યાં સપ્લાય કરી ચૂક્યા છે આ તમામ સવાલોના જવાબ મેળવવા દમણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની આગામી તપાસમાં ડ્રગ્સના આ રેકેટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.

(5:28 pm IST)