Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇ કમિશનરશ્રી અને સેન્ટ્રલ આફ્રિકાના દેશ અંગોલાના ભારતીય રાજદૂત

પોલીશ્ડ ડાયમન્ડ – એગ્રીકલ્ચર-ફાર્માસ્યુટિકલ-ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એજ્યુકેશન સેકટરમાં પરસ્પર સહયોગ સંભાવના અંગે વિસ્તૃત પરામર્શ કર્યો

રાજકોટ તા.૫

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત વેસ્ટ આફ્રિકાના ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇકમિશનર  સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકરે ગાંધીનગરમાં લીધી હતી.

      અંગોલામાં ડાયમન્ડ માઇન્સમાંથી જે ડાયમન્ડ હિરા મળે છે તે પોલીશ્ડ થવા માટે ગુજરાતની ડાયમન્ડ નગરી સુરતમાં મોકલવામાં આવે છે તે સંદર્ભમાં આ મુલાકાત બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

      અંગોલાના ભારતીય રાજદૂત શ્રી પારકરે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે, સુરતના ડાયમન્ડ પોલીશ્ડકારો અંગોલામાં પોતાનો વ્યવસાય કારોબાર શરૂ કરે તો વેલ્યુએડીશન થઇ શકે તેમ છે.

     તેમની આ ગુજરાત મુલાકાત દરમ્યાન તેઓ સુરત પણ  જવાના છે અને આ ક્ષેત્રે રોકાણોની સંભાવનાઓ માટે ડાયમન્ડ પોલીશ્ડ વ્યવસાયકારો સાથે પરામર્શ કરશે એમ તેમણે જણાવ્યું હતું.

      આ ઉપરાંત એગ્રીકલ્ચર અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ વ્યવસાયની વિપૂલ જોડાણ સંભાવનાઓ રહેલી છે તેની તેમણે ચર્ચા કરી હતી.

      અંગોલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દર વર્ષે તેનું ડેલિગેશન મોકલીને સહભાગી થાય છે એમ પણ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું.

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીતમાં ઘાનાના ભારતીય હાઇ કમિશનર શ્રી સુગંધા રાજારામે જણાવ્યું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત ઘાના માટે લીડીંગ ટ્રેડીંગ એન્ડ બિઝનેસ પાર્ટનર છે.

      એટલું જ નહિ, મોટા પ્રમાણમાં ગુજરાતી સમુદાયો ઘાનામાં વસેલા છે ત્યારે સિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ છે. 

ઘાનાના ભારતીય હાઇ કમિશનરશ્રીએ ગુજરાતમાં સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUના સહયોગથી ઘાના યુનિવર્સિટીમાં ફોરેન્સીક સાયન્સ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી. 

આ બેઠક દરમ્યાન તેમણે ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર, એજ્યુકેશન અને ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રોમાં ગુજરાત-ઘાના અંગોલા સાથે મળીને આગળ વધી શકે તેમ છે તેની પણ ફળદાયી ચર્ચા કરી હતી. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આ માટે રાજ્ય સરકારની જરૂરી મદદ અને સહયોગ માટેની તત્પરતા દર્શાવી હતી. 

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી તેમજ ઉદ્યોગ કમિશનર  રાહુલ ગુપ્તા વગેરે આ બેઠકમાં જોડાયા હતા. 

(3:01 pm IST)