Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અદાણી CNGમાં રૂા.૧.૩૧ વધારો થતા ભાવ ડીઝલની નજીક પહોંચી ગયો

CNG કિંમત અને ડીઝલની કિંમત વચ્‍ચે માત્ર ૮.૨૫ રૂપિયાનો તફાવત

અમદાવાદ, તા.૫: અઢી મહિના પછી ફરી એકવાર અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ફરી એકવાર CNGના ભાવમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થતા હવે અમદાવાદમાં ભાવ ૮૩.૯૦ રૂપિયા પહોંચી ગયો છે. અદાણી CNGના ભાવમાં વધારો થતા ફરી એકવાર CNG રિક્ષાચાલકો મેદાનમાં આવી શકે છે, જોકે, અગાઉ ભાડામાં વધારો કરી આપ્‍યો હોવાથી હાલ વિરોધનું વંટોળ ઉભું થયું નથી.

અદાણી CNGના ભાવમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થયો, તેના અઢી મહિના પહેલા ૧૬ એપ્રિલના રોજ ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. અમદાવાદમાં અગાઉ સતત CNGના ભાવમાં થયેલા વધારાના કારણે તેની કિંમત અને ડીઝલની કિંમત વચ્‍ચે માત્ર ૮.૨૫ રૂપિયાનો તફાવત રહી ગયો છે. જો ફરી એકવાર સતત ભાવ વધારો થતો રહ્યો તો એ દિવસ દૂર નથી કે CNG અને ડીઝલના ભાગમાં કોઈ ફરક હોય.

નવા મહિનાની શરુઆતમાં જ ભાવમાં વધારો થતા CNGનો ઉપયોગ કરતા વાહનચાલકોની ચિંતામાં વધારો થયો છે, જે ભાવ અગાઉ ૮૨.૫૯ રૂપિયા હતો તેમાં ૧.૩૧ રૂપિયાનો વધારો થતાં તે વધીને ૮૩.૯૦ રૂપિયા થઈ ગયો છે. જેની સામે અમદાવાદમાં ૯૨.૧૫ રૂપિયા થઈ ગયો છે.

CNGના ભાવમાં અગાઉ સતત ઉછાળો થતાં રિક્ષાચાલકો અકળાયા હતા અને આંદોલન બાદ સરકારે મિનિમમ ભાડામાં વધારો કરી આપ્‍યો હતો. જેની સામે રિક્ષાચાલકો દ્વારા હવે ૨૦૨૩ સુધી ભાવ વધારો માગવામાં નહીં આવે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. અમદાવાદમાં માર્ચ મહિનામાં CNGના ભાવમાં ત્રણ વખત વધારો ઝીંકાયો હતો. એટલે કે એક જ મહિનામાં કુલ ૪.૫૦ રૂપિયા વધારો થયો હતો. આ પછી એપ્રિલ મહિનામાં પણ મોટો વધારો નોંધાયો હતો. આમ માર્ચ અને એપ્રિલ મળીને CNGના ભાવમાં કુલ ૧૨ રૂપિયાનો વધારો થયો હતો.

એક તરફ ડીઝલ અને પેટ્રોલના બદલે ઈલેક્‍ટ્રીક કારનો ઓપ્‍શન મળી રહ્યો છે ત્‍યારે મધ્‍યમ વર્ગના લોકો CNG પર પસંદગી ઉતારીને ખર્ચમાં ઘટાડો કરવા ઈચ્‍છે છે ત્‍યારે CNGના ભાવમાં સતત વધારો થતા ગ્રાહકો મુંઝવણમાં મુકાઈ રહ્યા છે.

(11:14 am IST)