Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

બહુપક્ષીય વ્યૂહરચનાથી કોરોના પર નિયંત્રણનો દાવો

૭ સપ્તાહમાં કેસ અને મૃત્યુઆંકમાં ૪૦%નો ઘટાડો : હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા હતા ત્યારે તંત્ર દ્વારા લેવાયેલા પગલાંથી મહામારીના પ્રસાર પર નિયંત્રણ મેળવાયું: ડો. રાજીવ ગુપ્તા

અમદાવાદ, તા. ૫ : છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કોરોનાથી મોટી રાહત થઈ છે. કોરોનાના નવા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો થતા શહેરીજનોની ચિંતા ઓછી થઈ છે. શરૂઆતમાં ૧૭ માર્ચથી નવ અઠવાડિયામાં કોરોના વાયરસે અમદાવાદને લગભગ ઘૂંટણીએ લાવી દીધું હતું. કેસ અને મૃત્યઆંકના કારણે આખા શહેરમાં ભયનો માહોલ હતો. પરંતુ સાત સપ્તાહમાં શહેરમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં અલગ-અલગ સ્ટ્રેટેજીને કારણે કોરોનાને અટકાવવામાં આંશિક સફળતા મળી છે. ભારતના સૌથી ખરાબ કોવિડ પ્રભાવિત શહેરોમાં અમદાવાદ એક હેડલાઈન્સ બની ગયું હતું. ૧૧થી ૧૭મી મે દરમિયાન ૨૫૭૯ કેસ અને ૧૪૨ લોકોના મોત થતા હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા હતા. ૭ મેના રોજ અમદાવાદમાં કોવિડ-૧૯ નિયંત્રણનો હવાલો સંભાળનારા અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા કહે છે કે બહુપક્ષીય વ્યૂહરચનાથી અમદાવાદને કોવિડ-૧૯ને રોકવામાં મદદ મળી છે.

જ્યારે લોકોને લાગ્યું કે હજુ ખરાબ સમય આવવાનો બાકી છે ત્યારે શહેર કોરોનાને હરાવવા માટે એક થઈ ગયું હતું. ત્યારબાદ આગામી સાત અઠવાડિયામાં શહેરમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુદરમાં ઘટાડો થયો હતો. ૯માં અઠવાડિયામાં કોરોનાના ૨૫૫૭ કેસ નોંધાયા હતા. જે ૧૫માં સપ્તાહ એટલે કે ૨૨થી ૨૮ જૂન દરમિયાન ૧૫૪૮ કેસ (૪૦ ટકાનો ઘટાડો) નોંધાયા હતા. એવી જ રીતે સાતમાં સપ્તાહમાં કુલ ૧૪૨ લોકોના મોત થયા હતા. જે ૯માં અઠવાડિયામાં ૪૦ ટકા ઘટીને ૮૬ પર પહોંચ્યા હતા. આઠમાં અને દસમાં અઠવાડિયામાં મૃત્યુઆંક પીક પર હતો, જે છેલ્લા એક સપ્તાહમાં અડધો થઈ ગયો હતો. ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૧૨ કેસ સામે આવ્યા છે. જેથી હવે રાજ્યમાં પણ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૫૩૯૮ થઈ છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં ૯, સુરત અને રાજકોટ કોર્પોરેશનમાં ૪-૪, મહેસાણા તથા અરવલ્લીમાં ૧-૧ તેમજ કચ્છ અને વલસાડમાં પણ વધુ ૧-૧ મોત સાથે કુલ મૃત્યુઆંક પણ ૧૯૨૭એ પહોંચ્યો છે. ૧ જુલાઇએ રાજ્યમાં ૨૧ મોત નોંધાયા હતા. શનિવારે અમદાવાદમાં ૧૭૨ની સરખામણીએ સુરતમાં ફરી સૌથી વધુ ૨૫૩ કેસ નોંધાયા હતા.

ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ને નિયંત્રણમાં મદદરૂપ થવાનાં મુખ્ય પગલાંમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે ૨૮૦૦ ક્લિનિકનું ઓપનિંગ, ૬૭ ખાનગી હોસ્પિટલોમાં ૩૩૨૩ બેડ માંગણી, અને એક્સપેન્સિવ પરંતુ લાઈફ સેવિગ Tocilizumab દવા ગંભીર બીમારી માટે ઉપલબ્ધ છે. લાઈફ સેવિંગ ડ્રગ Tocilizumab જે ગંભીર દર્દીને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. આ દવા ૬૫૦ ગંભીર બીમાર દર્દીઓ માટે પૂરી પાડવામાં આવી છે. એએમસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દવાથી દર્દીને બચવાના દરમાં ૭૫%નો સુધારો થયો છે.

ધન્વંતરી રથના ડોરસ્ટેપ ક્લિનિક વાન દ્વારા દરરોજ ૨,૧૦૦ લોકોને વિટામિન સી અને ડી સહિતની દવાઓ અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી છે. ખાસ કરીને જમાલપુર, દરિયાપુર, ખાડિયા, શાહીબાગ, શાહપુર અને અસારવા વિસ્તારોમાં આવેલા મધ્ય ઝોનમાં સારા પરિણામો મળ્યા હોવાનું જાણવા મળે છે. સીનિયર અધિકારીઓએ જણાવ્યું કે આ ઝોનમાં મે મહિનાના પહેલા સપ્તાહમાં મૃત્યુઆંક ૭૨ હતો. જે ૨૮ જૂનના રોજ પૂરા થતા સપ્તાહમાં ૭ પર પહોંચી ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન કોરોનાના કેસ ૬૩૫થી ઘટીને ૧૧૩ થયા હતા.

(7:58 pm IST)