Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

અમદાવાદમાં એન્ટીબોડીઝ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકાય છે

એન્ટિબોડીઝ ટેસ્ટનો પ્રારંભ : શહેરમાંં ૧૬૦૦થી વધુ લોકો આ ટેસ્ટ કરાવી ચુક્યા છે

અમદાવાદ, તા. ૫ : કોરોના મહામારી સામે જંગ લડવા હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર એન્ટિબોડીઝ ટેસ્ટ કરવાનો પ્રારંભ કરવા જઈ રહી છે. અમદાવાદમાં પણ આ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૬૦૦થી વધુ લોકો આ ટેસ્ટ કરાવી ચુક્યા છે. મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં આ ટેસ્ટ નિઃશુલ્ક છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ ટેસ્ટ કરાવાનો ચાર્જ ૭૦૦થી ૧ હજાર રૂપિયા લેવામાં આવી રહ્યો છે.

એન્ટિબોડિઝ ટેસ્ટ કરાવી જાણી શકાય છે કે વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિનું નિર્માણ થયું છે કે નહીં. કોરોના થયો હોય પરંતુ લક્ષણો ન દેખાયા હોય અને કુદરતી રીતે જ સાજા પણ થઈ ગયા હોય. તે જાણવા લોકો આઈજી-જી એટલે કે ઇમ્યુનોગ્લોબિલીન-જી ટેસ્ટ કરાવી રહ્યા છે.

આઈજી-જી રિપોર્ટ પોઝિટિવ આવે છે તો જે-તે વ્યક્તિને કોરોના થઈ ગયો હોય તેમ માનવામાં આવે છે. પરંતુ જેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે તેવા લોકો જો સાવધાની ન રાખે તો ભવિષ્યમાં કોરોનાનો ચેપ લાગવાની શક્યતા છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોનો આ અભિપ્રાય છે. આઈજી-જી ટેસ્ટથી લોહીમાં એન્ટિબોડીનું સ્તર મપાય છે. આઇજીજી સૌથી સામાન્ય એન્ટિબોડી છે, તે લોહી અને શરીરનાં અન્ય પ્રવાહીમાં હોય છે. તેમજ બેકટેરિયા અને વાઈરલ ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે.

વ્યકિતની રોગપ્રતિકારક શક્તિ શરીરને બેકટેરિયા, વાયરસથી બનાવવા માટે એન્ટિબોડી બનાવે છે.

શરીર વિવિધવસ્તુઓ સામે લડવા માટે વિવિધ એન્ટિબોડી અથવા ઇમ્યુનોગ્લોબિલીન બનાવે છ. શરીર ભૂલથી જાતે પણ પોતાની સામે એન્ટિબોડી બનાવે છે. જેને સ્વયં રોગપ્રતિરક્ષા પણ કહે છે.

(7:55 pm IST)