Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ગાંધીનગરમાં બેરોજગારો આંદોલન શરૂ કરે તેવી વકી

કોરોના સંકટ વચ્ચે આંદોલનના ભણકારા

ગાંધીનગર, તા. ૦૫ : કોરોના વાયરસ વચ્ચે હવે ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અનલોક-૨માં પ્રવેશ કરી લીધો છે ત્યારે ફરી રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે. આવતીલાકથી ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી, નિમણૂક પત્ર આપવા સહિતના મુદ્દે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગારો ભેગા થઈ શકે છે.

તો શિક્ષિત બેરોજગારોના સંભવિત આંદોલનને લઈને રાજ્ય સરકારની પણ ચિંતા વધી ગઈ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થવાની શક્યતાને જોઈને એક SRPF ની કંપની બંદોબસ્ત માટે ફાળવી દેવામાં આવી છે. જવાનોએ સત્યાગ્રહ છાવણી ખાતે રિહર્સલ પણ કર્યું છે. ૧૫૦૦થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગાંધીનગરમાં ખડકી દેવામાં આવ્યા છે. એસપી, ડીવાયએપસી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા છે. ગાંધીનગર પ્રવેશતા માર્ગો પર બેરીકેટિંગ કરી દેવામાં આવ્યા છે. જે પણ વાહન શહેરમાં પ્રવેશે તો તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. તેમના હક અને અધિકારો માટે લડી રહ્યાં છે. જે શિક્ષકોની ભરતી ૨૦૧૦માં થઈ છે તેમને મળવા પાત્ર ૪૨૦૦ ગ્રેડ ઘટાડી ૨૮૦૦ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવા ૬૫૦૦૦ શિક્ષકો છે. જેમને દર મહિને ૧૦ હજાર રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે અને તેમની માગણી છેકે તેમને પૂરો ગ્રેડ પે ચુકવવામાં આવે. જો સરકાર તેમની માંગણી પૂર્ણ નહિ કરે તો સમગ્ર રાજ્યમાં શિક્ષકો ઉગ્ર વિરોધ કરેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(7:48 pm IST)