Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

નર્મદા: દેડીયાપાડા તાલુકાના મંડાળા,ગારદા ગામને જોડતા રોડ પર ગરનાળાનું કામ મંથર ગતીએ ચાલતા ગ્રામજનોને હાલાકી

ઇમરજન્સી માં બીમાર દર્દી કે ગર્ભવતી મહિલાઓને અન્યત્ર ખસેડવા હોય તો એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ અટવાઈ પડે તેવી દશા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાના મંડાળા, ગારદા,ખામ, ભૂતબેડાને જોડતા રોડ પર ગારદા ગામમાં હનુમાનજીના મંદિર પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય હાલ વરસાદની સીઝનમાં કામ ચાલુ કરાતા આસપાસ ના કેલાય ગામના લોકો મુશ્કેલી માં મુકાયા છે સાથે કામ ચાલુ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ક્યાંયે ડાઈવરઝન ના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી, તેમજ ઘણા ગામનાં લોકોને ચોમાસામા બહાર જવું મુશ્કેલ બન્યું છે.
  આ ગામ માંથી નેત્રંગ,દેડીયાપાડા જવા માટે આજ રસ્તેથી જવું પડે છે.પણ ચોમાસામાં વધુ વરસાદ આવવાથી વાહનો ફસાઈ જાય છે. લોકો મુશ્કેલીમાં મુકાય છે,ખાસ તો દૂધનું વાહન,તેમજ દરરોજ નોકરી પર જતા લોકો ને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, ચોમાસા માં આ ગરનાળાની કામગીરી શરૂ કરતાં બીમાર દર્દીઓને કે ગર્ભવતી મહિલાઓને જો ઇમરજન્સી માં ક્યાંક ખસેડવા હોય તો જીવનું જોખમ જણાઈ રહ્યું છે.
જ્યારે ગારદાથી મોટા જાંબુડા ને જોડતા રોડ પર પણ પુલની હાલત ખરાબ હોવા થી તેમજ વરસાદ માં કાદવ, કિચ્ચડ પડવાથી આ રસ્તા પર પણ જવું મુશ્કેલ છે, જેથી કરીને વહેલી તકે આ ગરનાળાનું કામ પૂર્ણ થાય એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

(5:25 pm IST)