Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

આજે ગુજરાત હાઇકોર્ટમાં કર્મચારીના ટેસ્ટીંગમાં ૬ કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ

જો કે હાઇકોર્ટમાં હાલ ફકત અરજન્ટ કામગીરી જ થાય છે બાકી તમામ કોર્ટો બંધ છે : અમદાવાદના બોડકદેવના કોર્પોરેટર કાંતિ પટેલ પણ કોરોનાની ઝપટમાં આવ્યા

અમદાવાદ :ગુજરાતમાં કોરોનાનો કહેર હવે અમેરિકાની જેમ વધી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા ભારતમાં તે ચોથા નંબર પરથી ટોપ-3માં સરકી જશે. કોરોના વાયરસ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. ગુજરાત હાઇકોર્ટના 6 સ્ટાફ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બોડકદેવના કાઉનિસલર કાંતિભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતભરમાં કોરોનાનો કહેર વધતા સાવચેતીના ભાગરૂપે હાઇકોર્ટ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે પણ હાઈકોર્ટમાં બાકીના સ્ટાફનું ટેસ્ટીંગ ચાલુ છે. રવિવાર હોવા છતાં સ્ટાફને ટેસ્ટીંગ માટે બોલાવવામાં આવ્યા છે. શનિવાર સુધીમાં 231 કર્મચારીઓના ટેસ્ટીંગ કરાયા હતા. જેને લઇને ૬ જુલાઈના રોજ લિસ્ટેડ થયેલી મેટરની સુનાવણી હવે 7 જુલાઈએ થશે. 

આજે બોડકદેવના કોર્પોરેટર કાંતિ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કાંતિ પટેલને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના સર્વત્ર પ્રસરી ગયો છે. ત્યારે અત્યાર સુધી એએમસીના લગભગ 24 કોર્પોરેટરને કોરોના થયો છે. 

(3:08 pm IST)