Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કેનેડાના વિઝા આપવાની આંબલી પીપળી બતાવી રૂ. ૪૦ લાખ પડાવી લેનાર શખ્સને અમદાવાદમાંથી ઝડપી લીધો

અમદાવાદ :અમદાવાદના સાબરમતીમા કેનેડાના વિઝા આપવાના નામે ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો છે. જેને 40 લાખમા કેનેડાના વિઝા આપવાની લાલચ આપી હતી. જોકે આરોપી સાથે જોડાયેલા એજન્ટને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલો આ શખ્સ મિતેશ નાઈ છે. વિઝાના નામે ઠગાઈ કરનાર મિતેશ નાઈ રાણીપનો રહેવાસી છે. આ અગાઉ આરોપીએ ફરિયાદીને યુએસએના વિઝાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત મુંબઈની એરલાઈન્સમા તેનો મિત્ર નોકરી કરતો હોવાનુ કહી વિદેશ જવાની ઘેલછા રાખતા યુવાનોને ચૂનો લગાવતો હતો. આ ઠગે એક યુવકને 3 લાખનો ચુનો લગાવ્યાનો આરોપ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૈમિન પટેલ નામના યુવકને કેનેડા જવાની ઈચ્છા હતી. જેથી જૈમીન એક મિત્રના સંપર્કથી મિતેશ નાઈના સંપર્કમા આવ્યો હતો. મિતેશે માર્ચ 2018માં તેની માતાના યુએસએના વિઝા કરાવ્યા હતા. તેની માતા દોઢ માસ યુએસએ રહીને પરત આવ્યા હતા. જેથી વિશ્વાસ વધતા જૈમિને પોતાના કેનેડાના વિઝાનું કામ મિતેશને સોંપ્યું હતું. મિતેશે 40 લાખમા કેનેડાના વિઝા આપવાની લાલચ આપી અને ટુકડે- ટુકડે જૈમિન પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. પરંતુ મિતેશ વિઝા નહિ આપતા જૈમિનને શંકા ગઈ અને તેણે રૂપિયા પરત માંગ્યા હતા.

મિતેશ નાઈએ જૈમિનને બે ચેક આપ્યા, પણ તે બંને ચેક પણ બાઉન્સ થયા. અંતે જૈમિને સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મિતેશ નાઈની ધરપકડ કરી છે. વિઝાને લઈને કોઈ નેટવર્ક ચાલતુ હોવાનુ શંકાના આધારે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. મહત્વનુ છે કે વિદેશ જવાની ઘેલછાથી અનેક યુવાનો પોતાની જીવનની કમાણી ગુમાવી દે છે. મિતેશ નાઈ જેવા ઠગ રૂપિયા પડાવવાનો બિઝનેશ કરે છે. આ કેસમા મિતેશ અન્ય કોઈ વ્યકિત સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:30 pm IST)