Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કોરોના બેકાબુ બનતા સુરત દોડી જતા મુખ્યમંત્રી વિજયભાઇ : અધિકારીઓ - તબીબો સાથે બેઠકનો દોર

છેલ્લા ૫૦ દિવસથી દરરોજ ૨૦૦થી વધુ કેસ બહાર આવ્યા : નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓએ કરી સમીક્ષા

સુરત જિલ્લા તંત્રએ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો - પગલાઓ અને સારવાર સુવિધાઓની માહિતી અંગે બેઠક યોજાઇ હતી.

સુરત તા. ૪ : કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેકટર કચેરી પહોંચ્યા છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકા કમિશનર, અધિકારીઓ અને ડોકટરો સાથે બેઠક યોજાઈ છે.

મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. ઉપરાંત સુરત પાલિકા કમિશનર, વિવિધ ૧૨ ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન, સુપ્રીટેન્ડન્ટ, ડોકટરો પણ ઉપસ્થિત છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ છે.

અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામમાં હીરા એકમોને ખુલી છુટ આપી દેતા પરિસ્થિતિ પણ ખુબ જ ગંભીર બની છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ હીરા એકમોમાં પાલન થતું ન હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૫૯૬૭ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુકયા છે.કુલ ૨૨૦ લોકો જાન ગુમાવી ચુકયા છે. જયારે ૩૬૩૫ લોકો સાજા થઈ ઘરે ગયા છે.

હાલ ૨૧૧૨ લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. તમામ ખાનગી હોસ્પિટલો મળીને ફુલ ૨૧૮૬ બેડ છે જેમાંથી ૪૮૫ બેડ ફૂલ છે જયારે ૧૭૦૧ બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ મળી કુલ ૫૫૦ બેડ છે જે પૈકી ૩૨૧ બેડ પર દર્દીઓ છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ ૭૫૭ બેડ છે જેમાંથી ૫૮૭ બેડ ફૂલ છે જયારે ૧૮૦ બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસથી તો સુરત શહેર તેમજ જીલ્લા મળી રોજના ૨૦૦થી ઉપર કેસો આવી રહ્યા છે.

(2:40 pm IST)