Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સુરત : રેલી વેળા ઘર્ષણ થતાં પોલીસ પર કરાયેલો હુમલો

તોફાની તત્વો દ્વારા બસમાં તોડફોડ, પથ્થરમારો : ટિયરગેસના સેલ છોડવાની ફરજ : મુસ્લિમ સમુદાયના યુવકો દ્વારા પોલીસ ઉપર વળતા ટિયરગેસના શેલ ફેંકાયા

અમદાવાદ, તા.૫ : દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં સુરતમાં આજે મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ખ્વાજા દાના દરગાહથી કલેકટર કચેરી, અઠવા લાઈન્સ સુધી વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પુલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી. જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકોને અટકાવતાં એક તબક્કે પોલીસ અને રેલીમાં જોડાયેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે સ્વબચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. આ દરમ્યાન તોફાની તત્વો દ્વારા બસમાં પણ તોડફોડ કરી, પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. બાદમાં પોલીસે પણ આકરું વલણ અપનાવી સ્થાનિક કોર્પોરેટર અસલમ સાયકલવાલા, બાબુ પઠાણ સહિત ૨૦થી વધુ તોફાની તત્વોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ધમાલ બાદ કલમ-૧૪૪ લાગુ કરી દીધી હતી. બીજીબાજુ, રેલી દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર કાબૂ મેળવીને કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસનો ભારે કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો હતો. મંજૂરી ના હોય તે વિસ્તારમાં રેલીને આગળ વધતી અટકાવાતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના યુવકો અને લોકોએ ભાન ભૂલ સ્થાનિક સીટી બસના કાચ પણ તોડયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. જેને પગલે પોલીસને એક તબક્કે ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. જો કે, આ ધમાલ દરમ્યાન કેટલાક મુસ્લિમ યુવકો તો, પોલીસે છોેડેલા ટીયરગેસના શેલ હાથમાં લઇ પોલીસ પર વળતા ફેંકતા જોવા મળ્યા હતા. સમગ્ર બબાલના કારણે આ વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થતિ કાબૂમાં લીધી હતી અને બાદમાં પોલીસ પર હુમલો કરનારા તોફાની તત્વો અને હુમલાખોરોની અટકાયત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્સેટાઈલ માઈનોરિટી ફોરમ-સુરતના નેજા હેઠળ( મુસ્લિમ સમાજ) દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતાં. આ લોકોની માંગ હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તેવા કાયદા બનાવવામાં આવે. જો કે, સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ વસ્તી વધુ હોવાથી પોલીસ સાથે ઘર્ષણ કરવા તેઓ તત્પર બન્યા હતા. જો કે, પોલીસે પણ કડકાઇથી તોફાની તત્વોને ડામી દીધા હતા.

(9:43 pm IST)