Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જયશંકર તેમજ જુગલજીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા

મંદિરના મહંતના આશીર્વાદ પણ લીધા : રાજ્યસભા ભાજપના બંને ઉમેદવારોએ રથની પૂજા કરી

અમદાવાદ, તા. : ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો માટે આજે ચૂંટણી યોજાઇ હતી  ત્યારે મતદાન પહેલા ભાજપના બંને ઉમેદવારો વિદેશપ્રધાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોર મતદાન પહેલા જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. બંને ઉમેદવારોએ ભગવાનના દર્શન કરી તેમના રથની પૂજા-અર્ચના કરી હતી અને જીત માટે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન કર્યા બાદ એસ. જયંશકરે જણાવ્યું હતું કે, ઐતિહાસિક રથયાત્રા અને જગન્નાથજી મંદિરનો મહિમા સાંભળીને ભગવાનના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. જગન્નાથજી મંદિરના મંહત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા બંને મહાનુભાવોનું સ્વાગત કરી તેમને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે યોજાયેલી પેટાચૂંટણીમાં જીત માટે ભાજપ પાસે પૂરતા મત હોવાથી ભાજપ આમ તો નિશ્ચિંત થઇને બેઠું હતુ અને ક્રોસ વોટિંગ કરાવવા માટે કોઇ વધુ પ્રયત્ન કર્યા હતા, તેમ છતાં કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને ભાજપની જીતની રાહને વધુ આસાન બનાવી દીધી હતી, જ્ેને લઇ ભાજપની છાવણીમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી. રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે, તેમ છતાં ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ આપ્યો છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરવામાં સફળ થતાં કોંગ્રેસની મુશ્કેલી વધી હતી અને તેમની હાર જાણે નિશ્ચિત બની ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસવોટીંગને લઇ આજે સમગ્ર દિવસ દરમ્યાન રાજકારણ ગરમાયેલું રહ્યું હતું.

(9:31 pm IST)