Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અલ્પેશ ઠાકોર ૨૦ કરોડમાં વેચાયો હોવાનો ગંભીર આક્ષેપ થયો

સંકુલમાં કોંગ્રેસના કાર્યકરોના જોરદાર સુત્રોચ્ચાર : અંતર આત્માના અવાજથી ભારતના નેતૃત્વને મત આપ્યો

અમદાવાદ, તા.૪ : કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું સોંપી દીધું હતું. અલ્પેશ ઠાકોરના આ વલણથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના કાર્યકરો-સમર્થકોએ એક તબક્કે અલ્પેશ ઠાકોરની વિરૂદ્ધમાં જોરદાર સુત્રોચ્ચારો પોકાર્યા હતા કે, અલ્પેશ ઠાકોર ૨૦ કરોડોમાં વેચાયો છે. ગદ્દાર અલ્પેશ હાય...હાય...ના નારાઓ અને સૂત્રોચ્ચારને પગલે વિધાનસભા પ્રાંગણ ગુંજી ઉઠયુ હતુ અને રાજકારણ ગરમાયુ હતું. તો બીજબાજુ, કોંગ્રેસના આ સુત્રોચ્ચારોથી અલ્પેશ ઠાકોર અને તેના સાથી ભાજપના ધારાસભ્યોમાં સોંપો પડી ગયો હતો. દરમ્યાન આજે અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી મારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. કોંગ્રેસ મને ખોટી રીતે બદનામ કરતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે, આજની રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં મેં મારા અંતર આત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હું માનસિક ત્રાસથી મુક્ત થયો છું અને આવનાર દિવસોમાં મારા સમાજ તેમજ ગરીબ વંચિતોના લાભ માટે યોગ્ય નિર્ણય કરીશ અને પ્રજા માટે કામ કરીશ. હું કોંગ્રેસ પક્ષની કાર્યશૈલીથી કંટાળ્યો હતો. મેં ઘણો સમય રાહ જોઇ અને ત્યારબાદ રાજીનામું આપ્યું છે.

અલ્પેશે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તે તકવાદી નેતા નથી. જ્યારે અલ્પેશ ઠાકોરની સાથે તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાનું કામ કરવાની અને પ્રજા સાથે કામ કરવાની તમન્ના હતી. પરંતુ આવું ન થતાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જો કે, આ બંને ધારાસભ્યોના રાજીનામા પણ રાજકીય સ્વાર્થ વધુ હોવી હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારામાં તેજ બની હતી.

(8:05 pm IST)