Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ડાકોરમાં અષાઢી બીજની રથયાત્રામાં હાથીએ માનસિક સંતુલન ગુમાવીને એક પગ ઉંચો કરીને ગોળ-ગોળ ફરવા લાગતા અફડાતફડી

ખેડાઃ અષાઢી બીજ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રા નિકળી છે. ડાકોરમાં પણ આજે રથયાત્રા નિકળી હતી, જેમાં રથયાત્રામાં સામેલ હાથીએ માનસિક સંતુલન ગુમાવી દેતાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રથયાત્રામાં હાથીને પણ સામેલ કરવાની એક પ્રાચીન પરંપરા છે. જે મુજબ દરેક જગ્યાએ નિકળતી રથયાત્રામાં હાથીઓને સામેલ કરવામાં આવતા હોય છે. ગુરૂવારે ડાકોરમાં નિકળેલી રથયાત્રામાં સામેલ એક હાથીએ અચાનક જ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. હાથી ગુસ્સે થઈને આગળનો એક પગ ઊંચો કરીને ગોળ-ગોળ ફરવા લાગ્યો હતો.

ડાકોરની રથયાત્રામાં ભગવાનને પણ  હાથીની અંબાડીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાથી ઉપર મંદિરના મહંત ગોપાલજી મહારાજ પણ ભગવાન સાથે બિરાજમાન હતા. હાથી અચાનક માનસિક સંતુલન ગુમાવી બેસતાં આમતેમ ફરવા લાગ્યો હતો, જેના કારણે વૈષ્ણવભક્તોમાં દોડધામ મચી ગઈ હતી.

જોકે, રથયાત્રાને સકુશળ આગળ લઈ જવામાં ભાગ લેતા સ્વયંસેવય યુવકોએ અત્યંત કુશળતાપૂર્વક અને શાંતિથી કામ લીધું હતું. હાથીએ માનસિક સંતુલન ગુમાવી બેસતાં સૌથી પહેલાં લોકોને દૂર ખસેડીને શાંતિ રાખવા જણાવાયું હતું. ત્યાર પછી હાથી પર બેસેલ મહંત ગોપાલજી મહારાજને ઉતારવામાં આવ્યા હતા. મહારાજ નીચે ઉતરી ગયા પછી હાથી પર બિરાજમાન ભગવાનને પણ સન્માનપૂર્વક નીચે ઉતારી લેવાયા હતા.

આ દરમિયાન મહાવતે હાથીને કાબુમાં લેવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા હતા. હાથી પણ થોડી વારમાં જ શાંત થઈ ગયો હતો. ત્યાર પછી રથયાત્રા શાંતિપૂર્વક આગળ ધપી હતી. હાથીએ ઝડપથી શાંત થઈ જતાં ડાકોરની રથયાત્રામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

(5:07 pm IST)