Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કોંગ્રેસને પોતાના ધારાસભ્યો ઉપર વિશ્વાસ નથી : વિજયભાઇ

બીટીપીના ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને એનસીપીનાં કાંધલ જાડેજાએ ભાજપને ટેકો જાહેર કર્યો : કેન્દ્રીય બજેટના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસની ગતિ ઝડપી બનશે

ગાંધીનગર, તા.૫: ગુજરાત વિધાનસભામાં રાજયસભાની બે બેઠકો માટે આજે મતદાન યોજાયું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય મંત્રી ડો. એસ.જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવાર છે. આ બંને ઉમેદવારોની જીત સુનિશ્યિત છે. તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયના વિશ્વાસનો દાવો કર્યો છે.  સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં BTPના ધારાસભ્યશ્રી છોટુભાઇ વસાવા અને NCPના ધારાસભ્યશ્રી કાંધલભાઇ જાડેજાએ પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે.

 કોગ્રેંસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ જવા પડયાં તે ભયના ઓથારા નીચે જીવે છે. ક્રોસ વોટીંગના ડરના કારણે આવું બધું કરે છે. પણ ઘણા ધારાસભ્યો તેમની સાથે ગયા નથી. તેઓ શું કરશે તેનો તો કોગ્રેંસને પણ અંદાજ નથી. અમને અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમે બન્ને રાજયસભાની સીટો જીતીશું તે સ્વયંમ સ્પષ્ટ છે. કોગ્રેંસ પોતાની કમજોરી છુપાવવા માટે હોર્સ ટ્રેડિંગના ખોટા આરોપો લગાવી રહી છે.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે આજે કેન્દ્રીય બજેટ રજૂ થઇ રહયું છે. તેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'મને પૂર્ણ વિશ્વાસ છે આ બજેટ લોકોની સુખાકારી અને કલ્યાણકારી હશે, પ્રધાનમંત્રીશ્રી  નરેન્દ્રભાઇ જનતાની સાથે સીધા જોડાયેલા છે. અને ભારતના વિકાસની ગતિને ઝડપ મળશે અને નયા ભારતના નિર્માણમાં આ બજેટ ખૂબ ઉપયોગી બનશે. આ બજેટ સાર્વગ્રાહી છે. સૌને ધ્યાનમાં રાખી સૌનો સાથ સૌનો વિકાસ કરનારું બની રહેશે. લોકોની આશા, આકાંક્ષાઓને પુરી કરનારુ બની રહેશે તેવો મને વિશ્વાસ છે.

(4:12 pm IST)