Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

હવે, કેબીસી ક્રિપ્ટો કરન્સી નામે કરોડોનું કૌભાંડઃ સુરતમાં ૪ની ધરપકડ

મુંબઈની જેલમાં રહેલ માસ્ટર માઈન્ડનો કબ્જો લેવા સીઆઈડી ટીમો રવાનાઃ કૌભાંડમાંથી ખરીદ કરેલ મિલ્કતો શોધવા માટે સીઆઈડી વડા આશિષ ભાટીયા દ્વારા વિશેષ ટીમો રચાઈઃ સુરતમાં છઠ્ઠી ઘટનાઃ ખળભળાટ

રાજકોટ, તા. ૫ :. બીટ કોઈનની માસીયાઈ બહેન સમી ક્રિપ્ટો કરન્સી કૌભાંડની સુરતમાં જાણે ડબલ હેટ્રીક થઈ હોય તેમ રાજ્યના સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ સીઆઈડી ક્રાઈમે છઠ્ઠુ કૌભાંડ શોધી કાઢી દોઢ કરોડથી વધુ રકમની છેતરપીંડીનો પર્દાફાશ કરતા ખળભળાટ મચી ગયો છે. કૌભાંડનો આંક હજુ વધે તેમ હોવાનું સીઆઈડી સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે આ મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. માસ્ટર માઈન્ડ સમા બલવંતસિંહ કે જે હાલ મુંબઈની જેલમાં છે. તેનો કબ્જો લેવા તજવીજ હાથ ધરવામાં આવ્યાનું સીઆઈડી સૂત્રો જણાવે છે.

સીઆઈડી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરતના રાજેશ મનીયા નામના શખ્સે સીઆઈડી વડા આશિષ ભાટીયાનો ગાંધીનગર ખાતે સીઆઈડી હેડ કવાર્ટરમાં સંપર્ક સાધી પોતાની સાથે સવા કરોડથી વધુ રકમની છેતરપીંડી ઉંચુ વ્યાજ આપવાની લાલચે થયાનું જણાવ્યુ હતું. ફરીયાદીએ ફરીયાદમાં મહેસાણાના વિજય પ્રજાપતિ, ધીરજ પ્રજાપતિ, ભરૂચના કમરુદ્દીન સૈયદ, પાલનપુરના આસિફ શેખ તથા મુંબઈના બલજીતસિંઘ લશ્કરીયા અને સુરતના મોહન પટેલ કે જેઓ ફરાર છે તેમના સામે આક્ષેપ કર્યા હતા. સીઆઈડી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશો મુજબ આરોપીઓએ કેબીસી કોઈન છ માસ અગાઉ લોન્ચ કરેલ અને તેનો મોટાપાયે પ્રચાર કર્યો હતો.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં સીઆઈડી વડા આશિષ ભાટીયાએ જણાવેલ કે મુંબઈના બલવંતસિંહે બે વર્ષ અગાઉ ક્રિપ્ટો કરન્સી રેકેટ શરૂ કરેલ. હજારો લોકોએ તેમા રોકાણ કરેલ અને તેનુ નામ કેબીસી કોઈન આપેલ. ત્યાર બાદ પાલનપુર, મહેસાણા, અમદાવાદ વગેરે સ્થળોએ મુખ્ય સૂત્રધારોએ બ્રાંચો ખોલી હતી. ૬ માસ દરમિયાન કોઈ જાતનું વળતર લોકોને આપવામાં આવેલ નહિ. પોતાની સાથે છેતરપીંડી થયાનું જણાતા સુરતના ફરીયાદીએ પોતાનો સંપર્ક સાધ્યાનું આશિષ ભાટીયાએ અકિલાને જણાવેલ.

સીઆઈડીએ બનાવટી વેબસાઈટ શરૂ કરી લોકો સાથે મોટાપાયે છેતરપીંડી કરવાના ગુન્હા સબબ આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૧૨૦-બી અને લોકો સાથે છેતરપીંડી કરવાના કીમીયા અજમાવવા બદલ ૪, ૫, ૬ કલમ મુજબ ગુન્હા દાખલ કરેલ છે. મુખ્ય સૂત્રધાર બલવંતસિંહે નાણાકીય વ્યવહારો કરવા માટે રીઝર્વ બેન્કની કોઈ જાતની પૂર્વ મંજુરી લીધી નથી. સીઆઈડી વડા આશિષ ભાટીયાએ આવી છેતરપીંડીનો ભોગ બનેલા લોકોને આવા કૌભાંડકારો સામે આગળ આવી બેધડક ફરીયાદ કરવા અપીલ કરી છે. આરોપીઓની મિલ્કતો શોધવા માટે પણ સીઆઈડીએ તજવીજ હાથ ધરી છે.

(1:16 pm IST)