Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

હરેન પંડયાની હત્યાનું રહસ્ય આજે પણ રહસ્ય જ રહી ગયુ છે !

હિન્દી ફિલ્મોની કાલ્પનિક કથા, ડીટેકટીવ કથાઓ, ટીવીની ક્રાઈમ સિરીયલોથી ચાર ચાસણી ચઢે તેવી સત્ય કથાના તાણાવાણાઃ ૨૦૦૨ના ગોધરાકાંડનો બદલો કે પછી લશ્કરે તોઈબા દ્વારા મુફતી અને અસગરઅલીને સુપ્રત થયેલ હત્યાના સ્પેશ્યલ ટાસ્કનું પરિણામ ? ક્રાઈમ બ્રાંચની થીયરી સ્વ. હરેન પંડયાના પરિવારને ગળે ઉતરી નહિ ? સોહરાબુદ્દીન સામે હત્યાનો આક્ષેપ અદાલતમાં તેના સાથીએ કર્યો છતાં વાત કેમ માન્ય ન રહી, જાણવા જેવું: મુફતી સુફીયા વિદેશ કઈ રીતે નાસ્યો ? સૌરાષ્ટ્રના ગેંગસ્ટરો અને શાર્પશુટરો વિશે ખાસ ટીવીના ઈન્ટરવ્યુ થયેલાઃ અતિતમાં ડોકીયુ

રાજકોટ, તા. ૫ :. ગુજરાતના એક યુગના ગૃહમંત્રી અને ભાજપના એક સમયના લોકપ્રિય ધારાસભ્ય સ્વ. હરેન પંડયાની હત્યા કેસના આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈએ જે તે સમયે સુપ્રિમ કોર્ટમાં આપેલ પડકાર સંદર્ભે સુપ્રિમ કોર્ટ આજે ગમે તે ઘડીએ ચૂકાદો જાહેર કરનાર છે તે જાણતા જ નજર સમક્ષ અતિતની એ યાદો વિવિધ ન્યુઝ પેપરો અને ટીવી ન્યુઝની સ્પેશ્યલ સ્ટોરીની ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ નજર સમક્ષ તરવરી ઉઠયો છે.

સ્વ. હરેન પંડયા અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હતા. લોકો સાથે આસાનીથી ભળી જઈ તેમના પ્રશ્નોના નિકાલ માટે તેઓ સદા તત્પર રહેતા. ગુજરાત પોલીસના તત્કાલીન જાંબાઝ એવા સતિષ વર્મા, અતુલ કરવલ સહિતના કોઈની શેહશરમ વગર કામ લઈ શકે તેવા અધિકારીઓની શકિતઓનો ઉપયોગ કરી અસામાજિક તત્વો પર જબરજસ્ત ધાક બેસાડેલી. અસામાજિક તત્વો અને અમદાવાદ સહિતના દારૂના ધંધાર્થીઓ અને ડોન જેવા તત્વોની કમર ભાંગી નાખવા પોલીસને છૂટો દોર આપેલો. ચોક્કસ કિસ્સાઓમાં માથાભારે રાજકારણીઓનો પક્ષ લેવાના બદલે પોલીસનું મોરલ ઉંચુ રહે તે રીતે કામગીરી ગૃહમંત્રી તરીકે કરી હોવાથી પોલીસના એક મોટા વર્ગમાં તેઓનું ખૂબ જ માન હતું.

૨૦૦૩ની ૨૬મી માર્ચનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાયમ યાદ રહે તેવો બન્યો. અમદાવાદના લો ગાર્ડન પાસે નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોકમાં કાર લઈને પહોંચેલા હરેન પંડયાની તેમની જ કારમાં અજાણ્યા હત્યારાઓએ હત્યા કરી નાખી. ગુજરાતના ગૃહમંત્રીની હત્યા એ નાની સૂની ઘટના ન હોવાથી દેશભરમાં ભારે ઉહાપોહ મચી ગયેલ. ભાજપના ટોચના નેતાઓ સ્વ. હરેન પંડયાના પરિવારને શોકાંજલી અર્પવા અમદાવાદ આવેલા. પરિવારના સભ્યોએ હત્યા અંગે કેટલીક શંકાકુશંકા વ્યકત કરેલી.

સ્વ. હરેન પંડયાની હત્યાની તપાસ એ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સુપ્રત કરવામાં આવેલ. જો કે સ્વ. હરેન પંડયા પરિવારને ઉકત તપાસ એજન્સી સામે સંતોષ ન હતો. ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં સ્વ. હરેન પંડયાની હત્યા તેઓની કટ્ટર હિન્દુવાદી છબીને કારણે અમદાવાદમાં ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડનો બદલો લેવા થઈ હોવાનું તારણ કાઢયું. જો કે એક વર્ગ એવુ માનતો હતો કે મુસ્લિમોમાં પણ સ્વ. હરેન પંડયા ખૂબ માન ધરાવતા હતા.

આ દરમિયાન વિવિધ ન્યુઝ પેપરો અને એન.ડી.ટી.વી. જેવી ન્યુઝ ચેનલોએ સ્પેશ્યલ સ્ટોરી કરી હતી. સૌરાષ્ટ્રના કેટલાક શાર્પશુટરો અને ગેંગસ્ટરોની ભૂમિકા સામે આંગળી ચીંધી હતી. શાર્પશુટરોના પરિવારના પણ ઈન્ટરવ્યુ લેવામાં આવેલ. સ્વ. હરેન પંડયાના પત્નિ પણ કેટલાક તત્વોને હત્યાનું કારણ જાણવા માટે જેલમાં મળેલા.

ક્રાઈમ બ્રાંચની તપાસના તારણમાં લશ્કરી તોઈબા દ્વારા મુફતી અને અલીઅસગરને સ્વ. હરેન પંડયાની હત્યાનું સ્પેશ્યલ ટાસ્ક સુપ્રત થયાની થીયરી પણ બહાર આવી હતી. ૨૦૦૫માં જેનુ ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કરેલુ અને એન્કાઉન્ટરમાં જેની પત્નિ કૌશરબીની હત્યાનો પણ આક્ષેપ હતો તેવા સોહરાબુદ્દીને આ હત્યા કર્યાનું સોહરાબુદ્દીનના એક સાથીએ અદાલતમાં બયાન આપેલ. જો કે બયાન આપનાર શખ્સ પોતે ખુદ એક ગુનેગાર હોવાથી તેની વાતનું બહુ વજુદ રહેલ નહિ. મુફતી સુફીયા પતંગીયા વિદેશ નાસી ગયેલ તે બાબતે પણ અનેક જાતની ચર્ચાઓ હતી. સીબીઆઈ તપાસ પણ પરિણામલક્ષી બની ન હતી.

(11:37 am IST)