Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સપ્ટેમ્બર માસમાં પુના મશીન ટુલ એક્સ્પોને લઇ તૈયારીઓ

એકસ્પોથી મશીન ટુલ્સનાં વ્યાપારમાં સારી તકઃ ચાર દિવસીય એક્સ્પોમાં દેશ-વિદેશના નિષ્ણાતો, તજજ્ઞો અને ઉદ્યોગ જગતના મહાનુભાવો વિશેષ હાજરી આપશે

અમદાવાદ,તા.૫: ઈન્ડિયન મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશન (આઈએમટીએમએ) દ્વારા આગામી તા. ૨૭થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમ્યાન પુના ખાતે ખાસ પ્રકારના પુના મશીન ટુલ એકસ્પો (પીએમટીએક્સ ૨૦૧૮)નું આયોજન કરવામાં આવ્યું છે. ઓટો કલ્સ્ટર, પુના ખાતે યોજાનાર આ વિશાળ પ્રદર્શનમાં દેશ-વિદેશના નિષ્ણાતો, તજજ્ઞો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ-મહાનુભાવો વિશેષ હાજરી આપશે. પ્રશ્ચિમ ભારતનાં ડેટ્રોઈટ તરીકે જાણીતા પુનામાં ઓટોમોટિવ, હેવી એન્જિનિયરીંગ, એરો સ્પેસ, ડિફેન્સ, ઓર્ડનાન્સ અને ઘણા ઉત્પાદન એકમો આવેલા છે, તેથી દેશનો પશ્ચિમ વિસ્તાર આ ક્ષેત્રો માટે મુખ્ય લક્ષ્ય હોઇ પૂના ખાતે આ ચાર દિવસીય અદ્ભુત પુના મશીન ટુલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૭થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા આ પ્રદર્શન માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવાઇ છે. ઓટોમોટિવ સેકટર, એન્જિનીયરીંગ સહિતના ઉદ્યોગજગતના લોકોને આ એક્સ્પો મારફતે વૈશ્વિક ટેકનોલોજી, સ્કીલ અને વ્યાપારજગતના પ્રવર્તમાન પ્રવાહો સહિતના પાસાઓ જાણવાની અને અનુભવવાની ઉમદા તક પ્રાપ્ય બનશે. આ એક્સ્પો અંગે આઈએમટીએમએનાં પ્રેસિડેન્ટ પી.રામદાસે જણાવ્યું હતું કે, ઓટોમોટિવ સેકટર મશીન ટુલ્સનું સૌથી મોટું ગ્રાહક છે. અમારી પાસે પુના સ્થિત પશ્ચિમ ભારતનાં ઘણા સભ્યો છે. પીએમટીએક્સ જેવા એકસ્પોથી મશીન ટુલ્સનાં વ્યાપારના વિકાસની સારી તકો ઉપલબ્ધ થશે. દરમ્યાન આઈએમટીએમએનાં ડાયરેક્ટર જનરલ અને સીઈઓ વી.અબુએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉત્પાદન ઉદ્યોગ માટે નવી અને ઉદભવી રહેલી ટેકનોલોજીઓનો વપરાશ સમયની તાતી જરૂરિયાત છે. આઈએમટીએમએ આ ટેકનોલોજીઓને પીએમટીએક્સનાં માધ્યમથી નજીક લાવશે. આ શોથી ઓટોમોટિવ સેક્ટરનાં ઓઈએમને જ નહિ, અન્ય એન્જિનિયરિંગ ઉદ્યોગોને પણ ફાયદો થશે અને સહકાર સાંપડશે. પુના મશીન ટુલ એકસ્પોની પ્રથમ આવૃત્તિ વર્ષ ૨૦૧૬માં યોજાઈ હતી. તેમાં ૭૦૦૦થી પણ વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો. આ અંગેની વધુ જાણકારી ડબલ્યુડબલ્યુડબલ્યુ. એમટીએક્સ.કો.ઇન પરથી મળી શકે છે. આગામી સપ્ટેમ્બર માસ વેળા ૪ દિવસના વિશાળ એક્સ્પોમાં આ વખતે દેશ-વિદેશમાંથી ૧૦ હજારથી વધુ પ્રતિનિધિઓ-મુલાકાતીઓ ભાગ લે તેવી વકી છે.

(10:30 pm IST)