Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સોનાલી સ્વસ્થ થાય અને પરત ફરે તેવી પ્રાર્થના કરીએ છીએ

ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ ધમાલ મચાવવા તૈયારઃ ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના હોસ્ટ શાંતનુ મહેશ્વરી શોના પ્રમોશન માટે અમદાવાદમાં : બાળકના લીધે શો લોકપ્રિય

અમદાવાદ,તા.૫: નાની વયના બાળકોની ધમાલ-મસ્તી અને તોફાની હરકતો વચ્ચે અભિનય અને પ્રતિભાની ક્ષમતા દર્શાવવાની અનોખી તક પૂરી પાડતાં અને ઝી ટીવી પરના લોકપ્રિય શો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના હોસ્ટ શાંતનુ મહેશ્વરી આજે શોના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા, ત્યારે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં શાંતનું મહેશ્વરીએ શોમાં અગાઉ જજ તરીકે સ્થાન શોભાવી ચૂકેલ અને હાલમાં જ કેન્સરની બિમારીથી ગ્રસ્ત બનનાર જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ખાસ યાદ કર્યા હતા. શાંતનુએ જણાવ્યુ કે, સોનાલીજી, બહુ ઉમદા કલાકાર અને લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેત્રી છે. તેમણે આ શોમાં જજ તરીકે બહુમૂલ્ય યોગદાન આપ્યુ છે. તેમના કેન્સરના સમાચાર સાંભળ્યા બાદ અમે સૌકોઇ, અમારી ટીમ અને શો સાથે જોડાયેલા તમામ લોકો ભારે દુઃખની લાગણી અનુભવી રહ્યા છે પરંતુ સોનાલીજી, જલ્દી સાજા થઇ આપણી વચ્ચે પરત ફરે એ જ અમે સૌકોઇ ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યા છીએ. ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ શોમાં ત્રીજી સીઝનમાં સૌપ્રથમવાર હોસ્ટ કરી રહેલા શાંતનુ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે, નાના બાળકોની તોફાન-મસ્તી, ધમાચકડી અને નિર્દોેષ હરકતોને લઇ ઝી ટીવી પરનો આ શો ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આ વખતની ત્રીજી સીઝનના નાનકડા ભૂલકા કલાકારોમાં દેશભરમાંથી જે બાળ કલાકરો ઓડિશનમાં આવ્યા હતા, તેમાંથી ગુજરાતમાંથી પણ નોંધપાત્ર બાળ કલાકારો આવ્યા હતા. હાલ સુપર-૧૬નું સીલેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, બાળકોને અભિનયની ક્ષમતા અને પરફોર્મન્સ દર્શાવવાની અનોખી પૂરી પાડતા આ શોમાં હોસ્ટ તરીકે મારો પ્રથમ અનુભવ હોઇ નાના બાળકો અને તેમની નટખટ મસ્તી વચ્ચે કામ કરવાનું એક પડકારજનક કામ હતુ પરંતુ સાથેસાથે તેની મજા પણ કંઇક અલગ છે. સાચું કહું તો, બાળકો વચ્ચે રહીને હોસ્ટ કરવાની મજા કંઇક ઔર જ છે. કારણ કે, બાળકો નિખાલસ અને નિર્દોષ છે અને તેથી જ તો તેમને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. આજના બાળકો કોઇનાથી કમ નથી, તેમનામાં અદ્ભુત અને અગાથ શકિતઓ અને ક્ષમતા પડેલી છે. તેમણે ઉમેર્યું કે, સોનાલી બેન્દ્રે જજ તરીકે ખસી જતાં તેમના સ્થાને જાણીતી અભિનેત્રી હુમા કુરૈશી હવે શોમાં જજ એવા બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય અને જાણીતા આર્ટ ડિરેકટર ઓમંગ કુમાર સાથે જજની હરોળમાં સામેલ થશે. શાંતનુ મહેશ્વરીએ ઉમેર્યું કે, ઝી ટીવીના સૌથી લોકપ્રિય શો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના પ્લેટફોર્મ મારફતે કાર્તિકેય રાજ, કાર્તિકેટ માલવિયા, તમન્ના દિપક, પ્રણિત શર્મા જેવા બાળ કલાકારોએ એકટીંગની દુનિયામાં તેમનું નામ રોશન કરી દીધું છે. ઝી ટીવી પર દર શનિવાર અને રવિવારે રાત્રે નવ વાગ્યે પ્રસારિત થતો આ શો દેશના બાળકો, તેમના પરિવારજનો સહિત સૌકોઇ માટે અદ્ભુત મનોરંજન પુરો પાડતો શો છે કે શ્રેષ્ઠ બાળ પ્રતિભાઓને દુનિયા સમક્ષ લાવી અનોખા સીમાચિહ્ન સ્થાપિત કરશે. આ શોમાં શાંતનુ સાથે અગ્રણી વેન્ટ્રીલિક્વિસ્ટ વિજ્ઞેશ પાંડે પણ કો-હોસ્ટની ભૂમિકામાં હશે અને બંને મિત્રો બચ્ચે ફન્કી, ટોટલ નૌટંકીના થીમ પર ખૂબ મનોરંજન પૂરું પાડશે.

(10:30 pm IST)