Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા

ગુજરાતી મહિલા શ્રદ્ધાળુના મોતથી આઘાતનું મોજુઃ પંચતારણી અને શેષનાગ વચ્ચે શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા

અમદાવાદ,તા.૫: ભારે વરસાદ અને ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. અમરનાથ યાત્રાને વારંવાર રોકવામાં આવી રહી છે. પંચતારણી બેઝકેમ્પ નજીક કોમ્યુનિટી કિચન ચલાવનાર ગુજરાતી મિલિંદ વૈદ્યના કહેવા મુજબ શ્રદ્ધાળુઓને ખાનગી વાહનોમાં આગળ ન વધવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે રસ્તાઓ ખરાબ હવામાન અને વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પંચતારણી અને શેષનાગ વચ્ચે પણ અટવાયા છે. ગુજરાતમાંથી ૧૦૦થી પણ વધુ શ્રદ્ધાળુઓ અટવાયા હોવાના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ ગાંધીનગરની મહિલાનું અમરનાથ યાત્રા દરમિયાન અટેકેથી મોત થયું છે. મૃત્યુ પામેલા મહિલાની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની ઓળખ નાનીબેન પરમાર તરીકે થઇ છે. ગુફાથી છ કિલોમીટરના અંતરે સ્થિત તેમનું મૃત્યુ થયું હતું. તેમના પતિ પણ તેમની સાથે હોવાનું જાણવા મળ્યું છે. પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી છે. દરમિયાન અમરનાથ શ્રદ્ધાળુઓ માટે ૫૩૮૨ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના થયો છે. કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી છે. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી છે. બીજી બાજુ ૫૩૮૨ શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનગર નિવાસથી રવાના થઇ ચુક્યા છે. ૨૦૩૦ જેટલા શ્રદ્ધાળુઓ પહેલગામ અને ૧૬૭૮ શ્રદ્ધાળુ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ખરાબ હવામાનના લીધે અમરનાથ યાત્રીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

(10:21 pm IST)