Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

એમજેમાં સાંજે ૭.૩૦ વાગ્યા બાદ યુવતીના પ્રવેશ ઉપર બ્રેક

સુરક્ષાના કારણોસર નિર્ણયથી નારાજગીનું મોજુ : વિદ્યાર્થીઓ રાત્રે ૧૦ વાગ્યા સુધી રિડિંગ રૂમનો ઉપયોગ કરી શકશે : ફી વધારાને લઇને ભારે નારાજગી દર્શાવાઈ

અમદાવાદ, તા. ૫ : અમદાવાદ શહેરમાં સ્થિત એમજે લાયબ્રેરીએ સુરક્ષાના કારણોસર સાંજે ૭.૩૦ વાગ્યા બાદ યુવતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આને લઇને નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. એમજે લાયબ્રેરીમાં આવતા લીડરોએ આની સામે વાંધો ઉઠાવ્યો છે. સાથે સાથે નવા અમલી કરવામાં આવેલા નિયમોને લઇને પણ હોબાળો મચાવ્યો છે. ફીમાં કરવામાં આવેલા વધારાને પરત ખેંચવા માટેની માંગ પણ કરવામાં આવી છે. એમજે લાયબ્રેરીમાં હવે સાંજે ૭.૩૦ વાગ્યા બાદ વિદ્યાર્થીનીઓ પ્રવેશ કરી શકશે નહીં. જો કે, વિદ્યાર્થીઓ રાત્રે ૧૦ વાગ્યા સુધી રિડિંગ રુમનો ઉપયોગ કરી શકશે. લાયબ્રેરીએ વાર્ષિક રિડિંગ રૂમ ફી ૨૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ કરી દીધી છે. નવા નિયમો બાદ હવે રિડિંગ રુમની અંદર કોઇપણ પ્રકારના સ્નેક્સ અને ટિફિન પણ લાવી શકાશે નહીં. લાયબ્રેરિયન બિપીન મોદીએ કહ્યું છે કે, સાંજે ૭.૩૦ વાગ્યા બાદ પ્રાંગણમાં માત્ર સુરક્ષા ગાર્ડ રહેશે જેથી સુરક્ષાના કારણોસર યુવતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. હાલમાં કેટલાક બનાવો બની રહ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલારુપે આ નિર્ણય લેવાયો છે. કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જુદી જુદી પહેલ કરવામાં આવી રહી છે. ફીમાં કરવામાં આવેલા વધારાના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે, લાયબ્રેરીથી બિનઇચ્છીત વિદ્યાર્થીઓને દૂર રાખવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે, લાયબ્રેરીમાં ૩૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા રહેલી છે. વિતેલા વર્ષોમાં પણ આ લાયબ્રેરી વિવાદના ઘેરામાં રહી છે. શોર્ટ વસ્ત્રો સાથે વિદ્યાર્થીનીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને લઇને વિતેલા વર્ષોમાં એમજે વિવાદના ઘેરામાં રહી હતી. ત્યારબાદ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અલગ બેઠક વ્યવસ્થાને લઇને પણ ચર્ચામાં રહી હતી.

(8:12 pm IST)