Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મોસાળિયા મામેરું કરવાના હોઇ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ

સૌપ્રથમવાર ભગવાનને રાજભોગ ધરાવાશે : સરસપુરના બારોટ પરિવાર દ્વારા રથયાત્રા દિવસે ભાણિ-ભાણિયાઓનું રંગેચંગે મામેરું કરાશે : તૈયારી શરૂ કરાઈ

અમદાવાદ,તા.૫ : ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઇ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સરસપુર ખાતેના મોસાળમાં ભગવાનના મામેરાનું પણ અનેરૂ મહાત્મ્ય છે. જો કે, આ વર્ષે સરસપુરના બારોટ પરિવાર જ એટલે કે, મોસાળિયા જ મામેરું કરવાના હોઇ સરસપુર ખાતે શ્રધ્ધાળુ ભકતોમાં અનેરો અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર ખાતેના ભગવાનના મોસાળમાં મામેરાને લઇ તૈયારીઓ ચાલી રહી છે. તા.૧૪ જુલાઈના રોજ શહેરમાં નીકળનારી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા બપોરે જયારે સરસપુર ખાતેના મોસાળમાં પહોંચશે ત્યારે ત્યાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીનું રંગેચંગે અને વાજતેગાજતે મામેરું કરવામાં આવશે. મામેરું રથયાત્રામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે અને તેના માટે લોકો વર્ષો સુધી રાહ જુએ છે. આ વર્ષે ભગવાનનું મામેરું સરસપુરનો બારોટ પરિવાર કરશે. ભગવાનનું મોસાળ સરસપુર છે, ત્યારે સૌપ્રથમવાર સરસપુરવાસીઓને મામેરું કરવાનો લહાવો મળ્યો છે. યજમાન ધીરુભાઈ અને મીનાબહેન બારોટે એક વાતચીતમાં જણાવ્યું કે, ૧૮ વર્ષથી ભગવાનનું મામેરું કરવાની ઈચ્છા હતી. તે સમયે નાણાકીય સ્થિતિ એવી નહોતી કે મામેરું કરી શકાય. ભગવાન રણછોડરાયે ૧૮ વર્ષે ઈચ્છા પૂરી કરી એટલું જ નહીં, મામેરું કરવા જેટલાં આર્થિક રીતે સધ્ધર પણ બનાવ્યાં. ભગવાનના સ્વાગત માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. તા.૯ જુલાઈએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને બારોટ પરિવારના ઘરે વાજતેગાજતે સરસપુરની શણગાર શેરીમાં લઈ આવવામાં આવશે અને ભક્તોને ભગવાન અને મામેરાનાં દર્શન કરાવાશે. તેના માટે કંકોતરી પણ છપાવાઈ છે. ભગવાનનાં વસ્ત્રો, વાઘા અને પાઘડી માટે પીળો કલર પસંદ કરાયો છે, તેમાં વેલ્વેટનું કાપડ ઉપયોગમાં લેવાયું છે. કુંડળ, હાર, મોજડી, બહેન સુભદ્રા માટે માંગ ટીકો, હાર, સાડી, નથણી, વિંછિંયા, પાયલ, બુટ્ટી, બંગડી વગેરે અલંકારો તૈયાર કરાયા છે. આ સાથે મંદિરમાં રહેલી ૨૮ જુદી જુદી મૂર્તિ માટે પણ પીળા કલરના વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે. બારોટ પરિવારનું સ્વપ્ન હતું કે મામેરું કરવાનો તેમને લહાવો મળે. ભગવાનના મોસાળિયા જ મામેરું કરે તેવો પહેલો પ્રસંગ છે. સરસપુર ખાતેના રણછોડરાયજી મંદિરના મોસાળમાં હાલ ભગવાન જગન્નાથ બિરાજમાન છે. આ વર્ષે આટલાં વર્ષ પછી પહેલી વાર ઠાકોરજી માટે રથયાત્રાના દિવસે તા.૧૪ જુલાઈએ ૧૨ કલાકે રાજભોગ ધરાવવાનું આયોજન કરાયું છે. મંદિર અને આસપાસની પોળમાં ખુશીનો માહોલ છે. સરસપુર રણછોડજી મંદિર ખાતે મોસાળામાં હાલ રોજેરોજ સ્થાનિક મહિલાઓ અને ભજનમંડળીઓ દ્વારા સુંદર ભજન-કિર્તન થઇ રહ્યા છે. પોળના નાકે વાંસની સુંદર કમાન અને મંદિર ઉપર વાંસનો ઘુમ્મટ તૈયાર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બારોટ પરિવારના મોભી ધીરુભાઈ વર્ષોથી ચાની કીટલી ચલાવે છે. તેમણે કહ્યું હતંુ કે મામેરાનું સ્વપ્ન જોયું ત્યારે પતરાંવાળા મકાનમાં રહેતો હતો. રૂ.૨૦૦ની સાડી ભેટ ધરી શકું તેવી સ્થિતિ હતી. આજે ભગવાનની કૃપાએ ત્રણ માળના સુંદર મકાનમાં રહેવા મળ્યું છે. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી બની છે એટલે આ પ્રસંગ રંગેચંગે ઊજવીશ. તેમણે પ્રભુનો ભારે ઉપકાર માન્યો હતો.

(7:29 pm IST)