Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઉત્તરાખંડ : ફસાયેલા યુવાનો સુરક્ષિત હોવાથી મોટી રાહત

નારણપુરા અને ઘાટલોડિયાનો યુવાનો ફસાયા : અમદાવાદ જિલ્લા કલેકટોરેટ દ્વારા ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરી નવ યુવાનો સલામત હોવાની માહિતીની પુષ્ટિ

અમદાવાદ,તા. ૫ : ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાને કારણે પૂરની સ્થિતિ વચ્ચે શહેરના નારણપુરા અને ઘાટલોડિયામાં રહેતા નવ યુવકો પિથોરાગઢના ગૂંજી ગામ નજીકથી લાપતા બનતાં શહેર સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી હતી. છેલ્લા પાંચ દિવસથી પરિવારજનો સાથે તેમનો કોઈ સંપર્ક થયો નથી જેના કારણે પરિવારજનોના જીવ તાળવે ચોંટયા હતા ત્યારે આજે અમદાવાદ જિલ્લા કલેકટોરેટ દ્વારા ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરી અમદાવાદના નવ યુવાનો સલામત હોવાની માહિતની પુષ્ટિ કરી હતી, જેને પગલે પરિવારજનો સહિત સૌકોઇએ રાહતનો દમ ખેંચ્યો હતો. બીજીબાજુ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉતરાખંડ સરકારની મદદથી શહેરના નવ યુવાનોને સહીસલામત રીતે અહીં લાવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નારણપુરા અને ઘાટલોડિયામાં વિસ્તારમાં રહેતા તેજસ પટેલ અને તેમના મિત્રો ઉત્તરાખંડમાં ટ્રેકિંગ માટે ગયા હતા. તા.૩૦ જૂનના રોજ તેઓની પરિવાર સાથે વાતચીત થઇ હતી. વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ માટે ઉપર ટ્રેકિંગ માટે જવાના છે માટે બે ત્રણ દિવસ સુધી સંપર્ક થઈ શકશે નહિ. ત્રણ દિવસ બાદ ફરીથી તેઓનો પરિવારજનોએ સંપર્ક કરતા ફોન બંધ આવતો હતો. બે દિવસ સુધી રાહ જોયા બાદ પણ સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પહેલી જુલાઈએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. પિથોરાગઢના અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. પૂરની સ્થિતિ વચ્ચે કૈલાસ માનસરોવર જતા યાત્રીઓ પણ ફસાઈ ગયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પિથોરાગઢમાં હવામાન ખરાબ હોવાના કારણે અનેક યાત્રીઓ ફસાઈ ગયા હતા. ચાર-પાંચ દિવસથી તેઓનો સંપર્ક ન થતાં પરિવારજનોએ રાજ્યના મુખ્ય સચિવ, અમદાવાદ કલેક્ટર, ઉત્તરાખંડના સ્થાનિક પ્રશાસનની મદદ માંગી હતી. સોશિયલ મીડિયામાં પણ ફોટા મોકલી તેમની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી. પિથોરાગઢમાં ફસાયેલા કૈલાસ માનસરોવરના યાત્રીઓને બુધવારે હેલિકોપ્ટર મારફતે ગુંજી પહોંચાડવામાં આવ્યા હતા. વરસાદના પગલે તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે. પિથોરાગઢના ધારચૂલામાં નદીમાં તણાઇ જવાથી ત્રણ લોકોનાં મોત પણ નીપજ્યાં છે. ઉત્તરાગઢના પિથોરાગઢ અને ગુંજીમાં હવામાન હજુ પણ ખરાબ છે. પરિવારનો દ્વારા મંગાયેલી મદદ અનુસંધાનમાં અમદાવાદ જિલ્લા કલેકટરે આ અંગે તપાસ કરતાં છેલ્લું લોકેશન પિથોરાગઢના ગૂંજી પાસે મળ્યું હતું. કલેકટરે પિથોરાગઢના સ્થાનિક પ્રશાશનને જાણ કરી હતી. નારણપુરામાં રહેતા મેઘા પટેલના પતિ અને મિત્રો ઉત્તરાખંડ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. તેઓની સાથે વાતચીત બાદ ત્રણ દિવસ સુધી રાહ જોયા બાદ સંપર્ક ન થતા હાલમાં પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાયા હતા. અમદાવાદ કલેક્ટરની મદદથી તેઓની ગાડીના નંબર અને ફોટોના આધારે પિથોરાગઢના સ્થાનિક પ્રશાશન દ્વારા રેસ્ક્યુ ટીમની મદદ લઇ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે સ્થળ પર ભારે વરસાદ હોવાના કારણે સંપર્ક થતો નથી અને સ્થાનિકોના સંપર્કમાં છીએ.

ઉત્તરાખંડ સરકારના અધિકારીઓ સાથે દર કલાકે અપડેટ માટે વાતચીત ચાલુ છે. લાપતા બનેલા નવ યુવાનો સાથે વાત થઇ છે, તેઓ સહીસલામત છે. હવે તેઓને હેમખેમ અહીં લાવવાના અમારા પ્રયત્નો ચાલુ છે.

(7:29 pm IST)