Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્‍તારની પરિણીતા ઉપર સામુહિક દુષ્‍કર્મઃ નગ્ન ફોટા પાડીને વી‌ડિયો તેમજ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી

કાલોલઃ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્‍તારની એક પરિણીતા ઉપર દુષ્‍કર્મ આચરીને ૪ શખ્સોએ વીડિયો તેમજ ફોટા પાડ્યા બાદ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

કાલોલ તાલુકાના એક ગામની પરિણીતા છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરે આવી રહેતી હતી. દરમિયાન ગત તા: ૨-૭-૧૮ રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ગામમાંથી ચાલતા પસાર થઇ રહી હતી તે વખતે ગામના જ એક યુવાને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને તે સમયે ગામના જ અન્ય ૩ ઇસમો આવી પરણિતાનું મોઢું દબાવી નજીકના ખુલ્લા ખેતરમાં ઢસેડી લઈ ગયા હતા, જ્યાં ચારેય ઇસમો દ્વારા પરણિતા સાથે તેની મરજી વિરુધ ૩ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. 

બાદમાં પરણિતાના બિભસ્ત હાલતમાં આરોપીઓએ પોતાના મોબાઈલમાં ફોટા પાડી તેમજ વિડીયો બનાવી લીધા હતા અને આ ઘટનાની જાણ જો કોઈને કરી તો વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. 

સમગ્ર ઘટના અંગે પરણિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. કાલોલ પોલીસ મથકે ૪ ઇસમો સામે સામુહિક બળાત્કાર અંગેની ફરિયાદ નોધી પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ કાલોલ પોલીસે વરસતા વરસાદમાં પણ ઘટના સ્થળે પહોંચી એફ એસ એલની મદદથી ઘટના સ્થળે પણ સઘન તપાસ હાથ ધરી ગુનીની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પરિણતાને તબીબી પરીક્ષણ અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું હતું કે હું મારું નવું ઘર બને છે ત્યાં રાત્રીના 8 વાગ્યાના સમયે જતી હતી તે વખતે જયદીપ આવ્યો હતો અને એને પહેલા મારો હાથ પકડી લીધો મેં છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બીજા ૩ લોકો પણ આવી જતા તેઓને મને પકડી લેતા હું છૂટી શકી નહોતી. ત્યારબાદ તે લોકો મને ઢસડીને ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા ત્યાં 4 જણાએ 3 વખત મારી પર બળાત્કાર કર્યો હતો અને મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. નગ્ન ફોટા મોબાઈલમાં પડ્યા હતા અને તે વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

કાલોલ પોલીસ મથકની હ માં આવતા એક ગામમાં એક પરણિત બહેન સાથે 4 ઇસમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધવામાં આવી છે. બળાત્કાર ગુજારનાર 4 આરોપીઓને ઝડપી પાડવા માટે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ ફરિયાદી બેનની ફરિયાદ મુજબ તેઓના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માટે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(6:08 pm IST)