Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વ્યાજખોરોના ત્રાસથી મહેસાણાના શખ્સે જીવન ટૂંકાવ્યું

મહેસાણા:ચક્રવૃધ્ધિ વ્યાજના ખપ્પરમાં ફસાયેલા રામપુરા(કુકસ)ના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને બુધવારે શોભાસણ-જગુદણ વચ્ચે રેલવે ટ્રેન નીચે પડતું મુકીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.  આ ઘટનાની જાણ ગામમાં થતાં ગ્રામજનોમાં અરેરાટી સાથે શોકની લાગેેણી પ્રેસરી જવા પામી હતી જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.  આ અંગે મહેસાણા તાલુકા પોલીસે  પાંચ શખસો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના રામપુરા(કુકસ) ગામમાં રહેતા નાગરજી ઠાકોર (ઉ.વ.૩૫) ધીરધારનો ધંધો કરતા કિરણ ચૌધરી પાસેથી રૃા. ૫૦ હજારની રકમ ઉછીની લીધી હતી.  દરમિયાન વ્યાજ સહિત રૃા. ૧૪ લાખની ઉઘરાણીના મુદ્દે નાગરજીને વારંવાર ફોન ઉપર ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી વ્યાજખોરોનો ત્રાસ અસહ્ય બનતાં કંટાળેલા નાગરજીએ બુધવારના રોજ સવારના સુમારે મહેસાણા નજીક શોભાસણ-જગુદણ વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલી ટ્રેન નીચે પડતું મુક્યું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા નાગરજીનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર છે કે વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા નાગરજીના સ્કૂટરની ડીકીમાં તપાસ કરતાં અંદરથી સ્યુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આ ડગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

(5:20 pm IST)