Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મકાનમાં છાપો મારી 9600નો બિયરનો જથ્થો ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે બોરસદના વન તળાવ વિસ્તારમાં આવેલા એક મકાનમાં છાપો મારીને ૯૬૦૦ની કિંમતનો બીયરનો જથ્થો ઝડપી પાડીને ફરાર થઈ ગયેલા બે શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદના વન તળાવ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ શનાભાઈ વાઘરી તથા ગોરધનભાઈ વાઘરી વિદેશી દારૂનો ધંધો કરે છે તેવી માહિતી એલસીબીને મળી હતી જેથી સાંજના સુમારે પોલીસે છાપો મારતાં કાંતિભાઈ અને ગોરધનભાઈ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે કાંતિભાઈના ઘરની તલાશી લેતાં અંદરથી બીયરના ૯૬ ટીન કે જેની કિંમત ૯૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. 

પોલીસે બન્ને વિરૂધ્ધ બોરસદ શહેર પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:19 pm IST)