Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઉમરગામ ૮, વલસાડ, વાપી માંગરોળમાં અનરાધાર ૬ ઇંચ વરસાદ

ગુજરાતભરમાં મેઘરાજાની હેતની હેલી વરસી-પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧ થી પ ઇંચઃ ઉત્તર ગુજરાતમાં માત્ર ૨ ઇંચ વરસાદથી દેવધા ડેમ છલકાયોઃ ર૦ દરવાજા ખોલાયા

વાપી, તા.પઃ ચોમાસાની સીઝનનો જાણે ખરા અર્થમાં પ્રારંભ થયો હોય તેમ રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં ઝરમરથી ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જગતનો તાત ખુશખુશાલ જણાય છે તો તંત્ર સહિત પ્રજાજનો પણ પીવાના પાણીની સમસ્યા તથા ગરમીથી રાહત અનુભવી છે.

દ.ગુજરાતમાં મેઘરાજાની મહેર છેલ્લા ૩ દિવસથી યથાવત જણાય છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળ બંબાકાર સ્થિતિ સર્જાય છે.

વાપી ,વલસાડ,બિલીમોરા, નવસારી અને સુરત સહિતના પંથકમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે.

વિજલપોરના ૧૦ થી ૧૫ જેટલા પરિવારોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થતાં ડેમો ના જળસ્તરની સપાટી વધવા લાગી છે.

જેમાં બિલીમોરા પાસે આવેલા દેવધા ડેમ (દેવસરોવર ડેમ) ના પાળા ઓવરફલો થતા ડેમના ૪૦ પૈકી ૨૦ દરવાજા ખોલી નાંખવા સાથે સાવચેતીના ભાગરૂપે ૨૫૦૦ લાખ લિટર માણી પણ તંત્રએ છોડવું પડયું છે. જો હજુ પણ પાણીની આવક વધશે તો બાકીના ૨૦ દરવાજા પણ ખોલવા પડશે.

વહીવટીતંત્ર દ્વારા કાંઠાવિસ્તારના લોકોને સાવચેત રહેવા સાથે-સાથે સાગરખેડુઓને આ સમય દરમ્યાન દરિયો નહિ ખેડવા પણ સુચના આપવામાં આવી છે. ભારે વરસાદમાં વલસાડ જિલ્લાના વાંકલમાં બે ઘર ધ્વસ્ત થયા છે. જોકે સદ્દભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ.

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે આ પંથકની લોકમાતાઓ પણ બંને કાંઠે વહેવા લાગી છે. આ ઉપરાંત સંઘપ્રદેશના દમણ અને સેલવાસમાં પણ મેઘરાજાની યથાવત મહેરને પગલે દમણમાં એક જ દિવસમાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

જયારે દાદરાનગર હવેલીમાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ વરસાદની ભારે તીર્વતાને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ઉપરવાસમાં નવા પાણીની સતત આવકને પગલે મધુબન ડેમની જળસપાટી સતત વધી રહી છે.

આજે સવારે ૯ કલાકે મધુબન ડેમની જળસપાટી સતત વધીને ૭૧.૩૫ મીટરે પહોંચી છે. તેમજ ડેમમાં ૧૩.૮૦૩ કયુસેક પાણીનું ઇનફલો છે. વરસાદની સ્થિતિ જોતા આ સપાટી માં હજુપણ વધારો થશે તેમ મનાઇ રહયું છે.

(12:43 pm IST)