Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગુજરાતના રાજકારણની વર્તમાન તાસીરઃ સ્વયં 'પિસ્તોલ' જેવા બનો, મૂલ્યો-વફાદારીને મારો 'ગોળી'

કુંવરજીભાઇની ઘટનાએ સાબિત કર્યુ કે પાર્ટી આધારિત રાજકારણ કરતા વ્યકિતગત તાકાત અને જ્ઞાતિના પીઠબળનું મહત્વ

રાજકોટ, તા., ૫: જસદણના કોંગ્રેસના  ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેંસ ધારણ કરી પ્રધાનપદ મેળવી લીધું છે. ધારાસભામાં ન રહયા હોવા છતા ભાજપમાં જોડાયાના માત્ર ૪ કલાકમાં જ પ્રધાનપદ આપવું પડયું તે ભાજપની મજબુરી હોવાની છાપ પડે છે. કુંવરજીભાઇની ઘટનાએ ગુજરાતના વર્તમાન રાજકારણમાં પાર્ટી પ્રત્યેની વફાદારી અને શિસ્ત કરતા સમય સંજોગો મુજબની ગુલાટ વધુ ફાયદાકારક હોવાનું સાબીત કર્યુ છે. ૪-૪ ટર્મથી ભાજપમાં ચુંટાયા છતા મંત્રીપદની રાહ જોઇ રહેલા  ભાજપના ધારાસભ્યો માટે આ ઘટના આંચકારૂપ છે. પાર્ટીની શિસ્ત અને સંજોગો મુજબ અત્યારે સ્પ્રીંગ દબાયેલી છે પરંતુ ભવિષ્યમાં ભાજપમાં અસંતોષની સ્પ્રીંગ જોશથી ઉછળી શકે છે. કાર્યકરોમાં એવું ચર્ચાઇ રહયું છે કે વર્તમાન રાજકારણમાં સફળતા મેળવવા વ્યકિતએ જાતે પિસ્તોલ જેવું બનશે. વફાદારી અને મુલ્યોને ગોળી લાગી જાય તો તે બાબત સતા મેળવવામાં બાધક નહિ પરંતુ સહાયક બને છે.

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી તાસીર બદલાઇ રહી છે તેનો યશ મહદઅંશે ભાજપને ફાળે જાય છે. પાર્ટીનું વર્ચસ્વ વધારવા કોઇ પણ પ્રકારની બાંધછોડ હવે સામાન્ય થઇ ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યને રાજીનામુ અપાવીને એ જ દિવસે મંત્રીપદ આપી દેવાની ઘટનાએ રાજયના રાજકારણમાં નવો ઇતિહાસ સર્જી દીધો છે વર્ષોથી પાર્ટીલાઇનમાં રહીને કામ કરતા કાર્યકરો વિચારતા થઇ ગયા છે. હાલના નેતાઓના નેતૃત્વમાં પાર્ટી કઇ દિશામાં જઇ રહી છે?

કુંવરજીભાઇએ મંત્રીપદ ટકાવવા પેટા ચુંટણી જીતવી અનિવાર્ય છે ભાજપ સંગઠન અને સરકાર તથા સામી બાજુએ કોંગ્રેસ તમામ તાકાત કામે લગાડશે પ્રજા માથે તો આ ચુંટણી બિલકુલ અંધારી અને અનિચ્છનીય આવી પડી છે કુંવરજીભાઇની વ્યકિતગત ક્ષમતા અને કોળી જ્ઞાતિના મતોનો લાભ મેળવવા માટે ભાજપે પોતાના વફાદાર સીનીયર ધારાસભ્યોની અવગણના કરી તેમના માટે લાલજાજમ પાથરી છે પાર્ટી આધારીત રાજકારણ ફળદાયી બને તેના કરતા વ્યકિતગત તાકાત અને જ્ઞાતિનું પીઠબળ વધુ ફળદાયી બની શકે તેવી છાપ કુંવરજીભાઇની ઘટનાથી પડી છે. જસદણમાં ભાજપ ચુંટણી જીતે કે હારે એ બાબત અલગ છે પરંતુ અત્યારે તો કુંવરજીભાઇનું હ્ય્દય પરિવર્તન ભાજપ દ્વારા તેનો શરતી સ્વીકાર ચર્ચાનો વિષય બન્યો છે.

(12:43 pm IST)