Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

લગ્ન માટે લિમોઝિન બુક કરાવી : છેલ્લી ઘડીએ થયો આવો દાવ

વરરાજા લગ્નના દિવસે બુક કરાવેલી લિમોઝીન કારની રાહ જોતો રહ્યો પરંતુ ટ્રાવેલ કંપની કાર મોકલવાનું જ ભુલી ગઈ : ટ્રાવેલ કંપનીની આ ભૂલને કારણે કન્ઝયુમર કોર્ટે ૨૫૦૦૦ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે

અમદાવાદ તા. ૫ :  વરરાજા લગ્નના દિવસે બુક કરાવેલી લિમોઝીન કારની રાહ જોતો રહ્યો પરંતુ ટ્રાવેલ કંપની કાર મોકલવાનું જ ભુલી ગઈ. ટ્રાવેલ કંપનીની આ ભૂલને કારણે કન્ઝયુમર કોર્ટે ૨૫૦૦૦ રુપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે.

આ કેસ આણંદના બોરસદ જિલ્લાનો છે. ગુલામ રસુલ વોહરાએ આણંદની એન લિમોઝિન ઈન્ટરનેશનલ કંપનીમાં પોતાના દીકરા શોએબના લગ્ન માટે લિમોઝિન બુક કરાવી હતી. તેમના લગ્ન ૨૦મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ હતા. લગ્નના બે અઠવાડિયા પહેલા કંપનીને કાર બુકિંગ માટે ૫૦૦૦ રુપિયા આપવામાં આવ્યા હતા. એક દિવસ માટેનું કારનું ભાડુ ૨૪૦૦૦ રૂપિયા હતું.

લગ્નના દિવસે ગુલામ રસુલ વોહરા અને તેમના દીકરાએ કાર માટે ઘણી રાહ જોઈ પરંતુ કાર આવી જ નહીં. આખરે આ લોકો અન્ય વાહનોમાં લગ્નસ્થળે પહોંચ્યા. આ ઘટનાની રોષે ભરાયેલા ગુલામ વોહરાએ કંપની સાથે આણંદની ડિસ્ટ્રીકટ કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી અને મહેમાનો સામે અપમાનજનક સ્થિતિમાં મુકાયા હોવાને કારણે એક લાખ રૂપિયા વળતરની માંગ કરી.

કંપનીએ કન્ઝયુમર કોર્ટ સમક્ષ દલીલ કરી કે, બુકિંગના એક અઠવાડિયા પછી ફરિયાદી તેમની ઓફિસ આવ્યા હતા અને બુકિંગ કેન્સલ કરવાની માંગ કરી હતી તેમજ પૈસા પણ પાછા માંગ્યા હતા. કંપનીએ પૈસા પાછા આપાની ના પાડતા તે લોકો ગુસ્સે થયા હતા અને ઓફિસમાં હોબાળો કર્યો હતો. જો કે ફરિયાદીએ કંપનીની આ દલીલ ફગાવી અને કહ્યું કે, અમે કયારેય બુકિંગ કેન્સલ કરાવ્યું જ નથી અને લગ્નના દિવસે લિમોની રાહ જોઈ રહ્યા હતા. ટ્રાવેલ કંપનીએ આખી વાત ઉપજાવી કાઢેલી છે.

આ કેસની ડીટેલ્સ જાણ્યા પછી કોર્ટે કહ્યું કે, ટ્રાવેલ કંપની પાસે બુકિંગ કેન્સલ કરવામાં આવ્યુ હોય તેના કોઈ પુરાવા નથી. કોર્ટને લાગે છે કે વળતર માટે એક લાખ રુપિયાની માંગ વધારે છે, માટે ટ્રાવેલ ફર્મને ફરિયાદીને ૨૫૦૦૦ રૂપિયા ચુકવવાનો આદેશ આપવામાં આવે છે.

(10:10 am IST)