Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

૧૩મીથી બે દિવસ અમિત શાહ ગુજરાતની મુલાકાતે

૧૪મીએ અમદાવાદ નજીક યોજાનાર બે દિવસીય યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાને અમિત શાહ ખુલ્લી મૂકશેઃ ભાજપ - કોંગ્રેસના દિગ્ગજો ૧૦૦થી વધારે કોલેજો, ખાનગી યુનિ.ઓ, રાષ્ટ્રીય સંસ્થાઓના વિદ્યાર્થીને સંબોધશે

નવી દિલ્હી તા. ૫ : ગુજરાતમાં કોંગ્રેસમાંથી સિનિયર કોળી આગેવાન કુંવરજી બાવળિયાને ભાજપમાં જોડ્યા પછી રાજકીય વાતાવરણમાં ગરમી આવી છે તેવા સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ રાજયની મુલાકાત દરમિયાન પ્રદેશના આગેવાનો સાથે ઔપચારિક બેઠક યોજવા સાથે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે એમાં ૧૪ જુલાઇના રોજ અમદાવાદ-ગાંધીનગર નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાને સંબોધન કરવાના છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૩મીએ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. બીજા દિવસે વહેલી પરોઢે અષાઢી બીજ નિમિત્ત્।ે અમદાવાદના જગપ્રસિદ્ઘ જગન્નાથ મંદિરથી નીકળનારી પરંપરાગત રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લેશે. ત્યાર બાદ સવારે ૯.૩૦ વાગે અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસ ખાતે બે દિવસ માટે યોજાનારી યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયામાં રાજયની એકસો કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરશે. યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સત્રમાં અમિતભાઇની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેવાના છે. ૧૫ જુલાઈએ સમાપન સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો પરસોત્તમ રૂપાલા અને રાજયવર્ધનસિંહ રાઠોર ઉપસ્થિત રહેશે.

અહીં નોંધવુ જરૂરી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગયા વર્ષે અમિતભાઇએ યુવા ટાઉનહોલ કાર્યક્રમને સંબોધ્યો હતો. હવે રાજયમાં લોકસભા ૨૦૧૯ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે એવા સમયે અમિતભાઇ યુવાનોને વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યમાં ભારત અને વર્તમાન સ્થિતિ, ભાવિ દિશા દર્શન સંદર્ભે પોતાના વિચારો રજૂ કરશે. અમિતભાઇ આ કાર્યક્રમ બાદ દિલ્હી પરત ફરશે.

યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાનો કાર્યક્રમ પણ આવા જ દ્રષ્ટીકોણથી શરૂ થયો છે.યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના માધ્યમથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે નામના મેળવનારા મહાનુભાવોને અલગ અલગ વિષયો પર સંબોધન માટે આમંત્રણ અપાય છે. આ મહાનુભાવો સાથે વિદ્યાર્થીઓને સીધા સંવાદનો મોકો મળે છે.(૨૧.૪)

યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાને કોણ સંબોધશે

અમદાવાદ નજીકની યુનિવર્સિટી ખાતે ૧૪ અને ૧૫ જુલાઇ દરમિયાન યોજાનારી યુથ પાર્લામેન્ટમાં ચાર અલગ અલગ વિષયો પર ભાજપ અને કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહી સંબોધન કરનાર છે. જેમાં પોન્ડીચેરીના લેફ. ગવર્નર ડો.કિરણ બેદી પણ આવનાર છે. ભાજપના સાંસદો ભુપેન્દ્ર યાદવ, ડો. અનિલ જૈન, ડો. વિનય સહ સ્ત્રબુધ્ધે, ડો.સુબ્રમણ્યમ સ્વામી, મિનાક્ષી લેખી, સંબિત પાત્રા, મનસુખ માંડવીયા, ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષા પૂનમ મહાજન અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી જેવા આગેવાનો ઉપસ્થિત રહેવાના છે તો કોંગ્રેસમાંથી જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડા, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ પવન ખેરા, રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ સુસ્મીતા દેવ, અખિલેશ પ્રતાપસિંગ ઉપસ્થિત રહી યુવાઓને સંબોધશે. આ ઉપરાંત જાણીતા કાર્ડિયાક સર્જન ડો.તેજસ પટેલ અને નારકોટિકસ બ્યુરોના ઝોનલ ડિરેકટર હરિ ઓમ ગાંધી પણ યુવાનોને માર્ગદર્શન આપશે.

(10:09 am IST)