Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કચ્છ જિલ્લામાં ગૌચરની જમીનો પવનચક્કી પ્રોજેક્ટ માટે ફાળવાતા હાઇકોર્ટમાં IPL કરાઈ :29મી ઓગસ્ટે સુનાવણી

હાઇકોર્ટે આ મામલે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તથા સંબધિત વિભાગોને નોટિસ ઇશ્યુ કરી

 

કચ્છ જિલ્લાના ગામડાઓમાં ગૌચરની જમીન પવનચક્કી પ્રોજેક્ટ માટે ફાળવાતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાતા હાઇકોર્ટે મામલે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તથા સંબધિત વિભાગોને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને હવે સુનાવણી 29 ઓગષ્ટના રોજ રાખી છે.

   અરજદારે રીટમાં રજૂઆત કરી છે કે, વહીવટીતંત્ર દ્વારા ગૌચરની જમીન પવનચક્કીના પ્રોજેક્ટ્સ માટે ફાળવવાથી હાઇકોર્ટ દ્રારા વખતોવખત કરવામાં આવેલા આદેશોનો ભંગ થાય છે અને નિર્ણય સરકારની નીતિનો ભંગ કરે છે.

   રીટમાં રજૂઆત કરાઇ છે કે, ગૌચરની જમીન પવનચક્કીના પ્રોજક્ટ માટે ફાળવવાથી પર્યાવરણને નુકશાન થશે અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો પર પણ અસર થશે. કચ્છ જિલ્લાના ભુજની આસપાસનાં ગામોમાં સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા પ્રાઇવેટ કંપનીઓને પવનચક્કીઓ નાંખવા માટે ગૌચરની જમીન ફાળવવામાં આવી છે. વહીવટીતંત્રના નિર્ણય સામે સ્થાનિક લોકોએ ખુબ વિરોધ કર્યો છે. જે રીતે પવનચક્કીઓ નાંખવામાં આવી રહી છે તે જોતા પ્રોજેક્ટની આસપાસની વિસ્તારમાં ખેતીવાડીને પણ વિપરીત અસર થશે. જે જમીન પ્રાઇવેટ કંપનીને પવનચક્કીઓ ઉભી કરવા માટે ફાળવવામાં આવી છે તેનો સ્થાનિક લોકો ગૌચર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ગૌચરની જમીન પર સ્થાનિક પશુપાલન નિર્ભર હોય છે. જો ગૌચરની જમીન ઘટશે તો તેની સીધી અસર સ્થાનિક પશુધન પર અસર કરશે. કેમ કે, પશુધન માટે જરૂરી ઘાંસચારાની તંગી (ખોરાક) સર્જાશે. જૌ ગૌચરનો વિકાસ થશે તો પશુપાલનની પ્રવૃતિઓ માટે સારી વ્યવસ્થા ઉભી થશે."
  
અરજદારે એવી પણ રજૂઆત કરી છે કે, સ્થાનિક પંચાયતો દ્વારા ગેરકાયદે ગૌચરની જમીન પ્રાઇવેટ કંપનીઓને ફાળવી દીધી છે. ઉપરાંત, મોટા પ્રમાણમાં પવનચક્કીઓ ઉભી થવાના કારણે સ્થાનિક જૈવ-વિવિધતા અને પક્ષીઓ પર વિપરીત અસર કરે છે.

(9:06 am IST)