Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદ સહિતના કેટલાક ભાગોમાં વરસાદની ચેતવણી

ગાંધીનગર, પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે: માછીમારોને દરિયામાં ન જવાની સૂચના : અમદાવાદમાં દિવસમાં વરસાદી વાદળો ઘેરાયા : તાપમાનમાં ઘટાડો

અમદાવાદ, તા. ૪: ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ભરુચ, વલસાડ, નવસારી, દમણ દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના દરિયામાં માછીમારોને ન જવા માટે કહેવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી પગલે તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. બીજી બાજુ આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ રહ્યો હતો. અલબત્ત ધીમી ગતિએ વરસાદ થયો પરંતુ કાળા ડિમાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. જોરદાર વરસાદ પડશે તેમ લોકો દિવસ દરમિયાન માનતા રહ્યા હતા. જો કે, હળવા વરસાદી ઝાપટા ઘણા વિસ્તારમાં પડ્યા હતા. અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી છે. મહત્તમ તાપમાન હવે ઘટીને ૨૯.૧ ડિગ્રી થઇ ગયું છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જારી રહેવાની સંભાવના હોવાથી લોકો વરસાદીની ખરીદીમાં પણ લાગી ગયા છે. છત્રી અને રેઇનકોટ બજારમાં જોરદાર તેજી આવી ગઇ છે.

(9:05 am IST)