Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધો. ૧૧માં વર્ગો - સંખ્યા વધારાશે : વધુ ૨૭૦૦ શિક્ષકોને નિમણૂંક અપાશે

પ્રવેશ પાત્ર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહેશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની 'અકિલા' સાથે વાતચીત : જરૂર પડયે પ્રવાસી શિક્ષકોની નિમણૂક : પરિસ્થિતિ વધુ થાળે પડે એટલે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા

રાજકોટ તા. ૫ : રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨માં માસ પ્રમોશનથી આગળના ધોરણમાં પ્રવેશ માટે ઉદ્ભવનાર સમસ્યાના નિવારણ માટે સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે. સરકારે જરૂરીયાત મુજબ વર્ગો, વર્ગોમાં સંખ્યા અને શિક્ષકો વધારવાની તૈયારી દર્શાવી છે. પ્રવેશ પાત્ર કોઇ વિદ્યાર્થી આગળના ધોરણમાં પ્રવેશથી વંચિત ન રહે તેવી ગોઠવણ થઇ રહી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, ઉચ્ચ માધ્યમિક કક્ષાએ હમણા ૨૯૩૮ શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આવતા દિવસોમાં ધો. ૯ થી ૧૨ માટેના ૨૭૦૦થી વધુ નવા શિક્ષકોને નિમણૂક પત્ર અપાશે. પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. નિમણૂક પત્ર જ આપવાના બાકી છે. ધો. ૧૧માં પ્રવેશ આપવા માટે જરૂરીયાત મુજબ વર્ગોની અને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે. શિક્ષકોની નવી નિમણૂક પછી જરૂર પડે તો પ્રવાસી શિક્ષકો રાખવામાં આવશે. હાલના મૂલ્યાંકનના આધારે પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે તે ૧૫ દિવસમાં પૂર્ણ કરાશે.

શ્રી ચુડાસમાએ એક સવાલના જવાબમાં જણાવેલ કે, હાલની પરિસ્થિતિ વધુ થાળે પડે પછી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

(1:15 pm IST)