Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગ્રીન ઝોન જાહેર કરાયેલ ડાંગ જિલ્લામાં નવા બે કોરોનાનાં પોઝીટીવ કેસ નોધાયા

આહવાના હનવતચોંડ અને સુંદા ગામની મહિલાઓને કોરોના વળગ્યો : બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

 

સાપુતારા: ગ્રીન ઝોન તરીકે જાહેર કરાયેલ ડાંગ જિલ્લામાં નવા બે કોરોનાનાં પોઝીટીવ કેસ નોંધાતા ડાંગ વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બન્ને મહિલાઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

 

ડાંગ જિલ્લાના આહવા તાલુકાની બે મહિલાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને આહવા કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે...

   પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસનાં કહેરમાંથી ડાંગ જિલ્લો થોડા દિવસ પૂર્વે કોરોના મુક્ત જિલ્લો બનતા ડાંગ કલેક્ટર એન.કે.ડામોર દ્વારા ડાંગને ગ્રીન ઝોન જિલ્લો તરીકે જાહેર કર્યો હતો,તેવામાં  ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગામડાઓમાં બે કોરોના પોઝીટીવ કેસો સામે આવતા ડાંગ જિલ્લો ફરીવાર ગ્રીન ઝોનમાંથી ઓરેંજ ઝોન તરફ ધકેલાયો છે,ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ હનવતચોંડ અને સુંદા ગામની મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે,સુંદા ગામની શાંતિબેન તુળશીયાભાઈ મહાકાળ .63 વૃધ્ધ મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, વૃધ્ધ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેણીનો આહવા સીવીલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,અને સેમ્પલ સુરત મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો,જે વૃધ્ધ મહિલાનો શુક્રવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ હતુ, વૃધ્ધ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળે છે,

   જ્યારે બીજો કેસ આહવા તાલુકાનાં હનવતચોંડ ગામની 19 વર્ષીય યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, હનવતચોંડ ગામની યુવતી સગર્ભા હોય તેણી ચેકઅપ કરાવવા માટે બે દિવસ અગાઉ આહવા સિવિલ હોસ્પિટલમાં ગઈ હતી,જ્યાંથી સગર્ભા યુવતીને ટેસ્ટ માટે સોનોગ્રાફી રિપોર્ટની જરૂરીયાત ઉભી થતા ગતરોજ વાંસદા ખાતે આવેલ ગીતા ઇમેજનરી સોનોગ્રાફી સેન્ટર ખાતે સોનોગ્રાફી રિપોર્ટ કઢાવવા માટે ગઈ હતી, સગર્ભા યુવતી પણ લોકડાઉન દરમ્યાન ડાંગ જિલ્લામાં હોય તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી હતી, સગર્ભા યુવતીનો પણ શુક્રવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ,

 

(10:44 pm IST)