Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

નર્સ જેનિફરબહેન કોરોના સામેની લડાઈ હારી ગયા

દર્દી અને સ્ટાફ હિબકે ચઢ્યો : ૪૮ વર્ષના જેનિફર ક્રિશ્ચિયન પહેલા નર્સ સ્ટાફ છે જેઓ વીએસ હોસ્પિટલમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામ્યા છે

અમદાવાદ, તા. ૫ : અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતા નર્સ જેનીબેનને SVP માં કોવિડ - ૧૯ વોર્ડમાં ફરજ માટે ટ્રાન્સફર કરાયા હતા જ્યાં પોતે દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ગયા અને આખરી શ્વાસ સુધી આ યોદ્ધા કોરોના સામે લડયા પણ કુદરતને કંઈક અન્ય જ મંજૂર હતુ. જેનીબેનના જવાથી તેમનો સ્ટાફ હિબકે ચઢ્યો હતો કારણ કે આ યોદ્ધા છેલ્લા ૨૦ વર્ષથી દર્દીઓની અવિરત સેવા કરતા હતા.

અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ વર્ષથી સેવાનો ભેખ લઈને બેઠેલા સિસ્ટર જેનીબેન ક્રિશ્ચિયનનું કોરોનાથી મોત થયંુ છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા ખુદ નર્સ પણ સંક્રમિત થયા હતા. સ્ટાફ સહિત તમામ લોકોએ આ સાચા કોરોના વોરિયર્સને દિલથી આખરી સલામ આપી હતી.

૪૮ વર્ષના જેનિફર ક્રિશ્ચિયન પહેલા નર્સ સ્ટાફ છે જેઓ વી.એસ હોસ્પિટલમાં કોવિડ-૧૯ થી મૃત્યુ પામ્યા છે. તેમના મૃતદેહને દફનાવવા માટે ખોડિયારનગરના ઘંટી ટેકરા ખાતે લઈ જવાયો હતો અને ત્યાં તેમની અંતિમવિધિ કરાઈ હતી.

હાલમાં જ જેનીબેનનું ટ્રાન્સફર એસ.વી.પી હોસ્પિટલના કોવિડ-૧૯ કેર ફેસિલિટીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓ ગંભીર રીતે બીમાર કોરોનાના દર્દીઓની દેખરેખ કરતા હતા. આ દરમિયાન જ તેમને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગી ગયું. તેમની સાથે કામ કરનારા અન્ય સહકર્મચારીઓના કહેવા મુજબ, તેઓ સમર્પિત રીતે દર્દીઓની સેવા કરતા હતા.

(8:02 pm IST)