Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રિક્ષા ચાલકોની કાનૂની જંગ લડીને ધરપકડ વહોરવા માટેની ચીમકી

રાહત પેકેજ ન મળતા રીક્ષાચાલકો નારાજ : બે જ મુસાફર બેસાડવાના નિયમને લીધે લોકડાઉન પછી કમાણી શૂન્ય : ૧૦ લાખથી વધુ ચાલકોની હાલત કફોડી

અમદાવાદ, તા. ૫ : છેલ્લા અઢી મહિનાથી ચાલતા લોકડાઉનને કારણે અમદાવાદ સહિત રાજ્યના ૧૦ લાખથી વધુ રીક્ષાચાલકો કફોડી હાલતમાં મૂકાયા છે. બીજી તરફ રીક્ષા યુનિયન તરફથી રીક્ષાચાલકો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર જો ૧૫ દિવસમાં આર્થિક સહાય  જાહેર નહીં કરે તો ન છૂટકે રીક્ષા ચાલકો રાજ્ય વ્યાપી લડતમાં સવિનય કાનૂન ભંગ કરીને હજારોની સંખ્યામાં ધરપકડ વહોરશે અને વિરોધ પ્રગટ કરશે તેવી ચીમકી યુનિયનો તરફથી આપવામાં આવી છે. રીક્ષાનાં વિવિધ યુનિયનોની તેમના આગેવાન અશોક પંજાબીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આર.ટી.ઓ. સમક્ષ રીક્ષા ચાલકોને તત્કાળ આર્થિક સહાય આપવા ઉગ્ર  રજૂઆતો કરી હતી. છેલ્લા અઢી મહિનાથી રીક્ષાચાલકો ધંધો ન કરી શકતા હવે તેઓએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે.

             રીક્ષા યુનિયનો વતી તેમના પ્રમુખ અશોક પંજાબી જણાવે છે કે, કોરોનાના બહાના હેઠળ રાજ્યમાં અઘોષિત ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે, જેના કારણે અમે પોતાના વ્યાજબી હકો માટે તેમજ અસહનીય દમન સામે શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવ પણ યોજી શકતા નથી. ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઈવર એકશન કમિટીના પ્રમુખ અને ઈન્ટુકના રાષ્ટ્રીય સચિવ અશોક પંજાબીએ રાજ્ય સરકારના વલણને વખોડી કાઢતા વધુમાં જણાવ્યું કે, પોતાના હિતોની રજુઆત કરવા રીક્ષાચાલકોના યુનિયનો દ્વારા અમદાવાદની કલેકટર કચેરી પાસેથી શાંતિપૂર્ણ રીતે દેખાવા યોજવા માટે રેલીની મંજૂરી માંગી હતી.

            પણ તે અરજી કોરોનાના બહાના હેઠળ પોલીસે નામંજૂર કરી છે. અંતે અમે ન છૂટકે રીક્ષા ચાલકો પોતાની રાજ્ય વ્યાપી લડતમાં સવિનય કાનૂન ભંગ કરીને હજારોની સંખ્યામાં ધરપકડ વહોરવા માટે તૈયાર થયા છીએ. સરકાર આગામી ૧૫ દિવસમાં રીક્ષા ચાલકો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી રજુઆત કરવામાં આવી છે. જો આવું નહીં થાય તો સવિનય કાનૂન ભંગ કરી ધરપકડ વહોરવામાં આવશે. થલતેજના રીક્ષા ચાલક પુજાભાઈ ભરવાડ જણાવે છે કે, છેલ્લા અઢી મહિનાથી એક રૂપિયાનો ધંધો કર્યો નથી. અત્યારની સરકારની પોલીસી મુજબ ધંધો થઈ રહ્યો નથી. અમે બે થી વધારે પ્રવાસી બેસાડી શકતા નથી. શટલ રિક્ષામાં વર્ષોથી બેસતા ટેવાયેલા લોકોને ભાડું પણ પરવડતું નથી. આ જ કારણે હજુ પણ અમારી આવક શૂન્ય છે. સરકાર કોઈ રાહત આપે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ.

(8:01 pm IST)