Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમદાવાદમાં સાદગીપૂર્વક નિકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રાઃ નીતિન પટેલની હાજરી

કળશને સાબરમતી નદી લઇ જવાયુ, મહંત દિલીપદાસજી દ્વારા પૂજનવિધી

અમદાવાદ,તા.૫: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આજે અમદાવાદમાં સાદગી પૂર્વક ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી હતી. સાબરમતી નદીના નીરથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતાં. મંદિર તરફથી રાજકીય નેતાઓને પૂજામાં નહિ જોડાય માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા.

આજે સવારે ૮.૪૫ વાગ્યે એક જ ગજરાજ સાથે ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કળશને ગાડીમાં સાબરમતી નદીના ભુદરના આરે લઇ જવામાં આવ્યા હતા. જયાં મહૈત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી મંત્રી નીતિન પટેલ આવી પહોંચ્યા હતાં. કળશની પૂજા બાદ દિલીપદાસજી, મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી કળશ લઇ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું. બોટમાં બેસી નદીમાંથી જળ ભરવામાં આવ્યું હતું.

જગન્નાથજીની જળયાત્રા વખતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જ જળયાત્રામાં જોડાયા હતા. તેમજ સરકાર વતી નીતિન પટેલ હાજર રહ્યા હતા. ભકત્ત્।ો-સંતો વિના જ જળયાત્રા યોજાતી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.

(3:08 pm IST)