Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ફ્રન્ટલાઈન વોરિયર્સ પર કોરોનાનો કહેર યથાવત : અમદાવાદમાં આઠ ડૉક્ટર્સ અને એક નર્સ સંક્રમિત

અમદાવાદ: ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે,  અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના હવે ફ્રન્ટલાઈન વૉરિયર્સ ગણાતા ડૉક્ટરો અને નર્સ સહિત મેડિકલ સ્ટાફને ઝપટે લઇ રહયો છે  છેલ્લા 24 કલાકમાં 8 ડૉક્ટર અને એક નર્સ સહિત કુલ 9 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર કરતા હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ કોરોનાના સકંજામાં જલ્દી સપડાય છે. અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં આવી જ રીતે મેડિકલ સ્ટાફ અને ડૉક્ટરો કોરોના દર્દીની સારવાર અથવા તેમના સંપર્કમાં આવવા કારણે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે.

 અમદાવાદના નારણપુરામાં રહેતા એક ડૉક્ટર અને તેમના પિતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જ્યારે શાહીબાગ વિસ્તારમાં પણ એક ડૉક્ટર અને તેમના પત્ની કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં એક તબીબ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આ રીતે અસારવા વૉર્ડના એક ડૉક્ટર અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ નર્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

 શહેરના પશ્ચિમ ઝોનમાંનવરંગપુરા વોર્ડમાં એક મહિલા ડૉક્ટર અને પાલડી વોર્ડમાં એક યુવાન તબીબ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં એક ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રીતે શહેરના દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં એક ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે.

(1:18 pm IST)