Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે 'જળયાત્રા' યોજાઇ : મામેરામાં માત્ર ૨ લોકો આવ્યા

નેત્રોત્સવ વિધી ૨૧ જૂને સૂર્યગ્રહણ હોય, બપોરે ૪ વાગ્યા બાદ યોજવાની જાહેરાત

રાજકોટ તા. ૫ : અમદાવાદ શહેરમાં આગામી મહિનાની ૨૩મી જૂને રથયાત્રા  નીકળવાની છે. અમદાવાદમાં નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જળયાત્રામાં લાખો ભકતો અને સાધુસંતો જોડાયને અવસરનો અનેરો લ્હાવો ઉઠાવે છે. ત્યારે વૈશ્વિક રોગચાળા કોરોનાના  કારણે મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો હતો, કોરોનાની મહામારીમાં મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ગાદીપતિ તેમજ ટ્રસ્ટના લોકો જ જળયાત્રામાં જોડાયા હતા. અને ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિ જ પુજા કરી હતી.

જળયાત્રા યોજાઇ હતી, રથયાત્રા અગાઉના પ્રથમ ચરણ જળયાત્રા પણ આ વખતે સાદગીપૂર્વક યોજાઇ છે.

આ વર્ષની જળયાત્રામાં પણ ગણતરીના જ લોકો જોડાયા છે. જળયાત્રામાં આ વખતે શોભાયાત્રા નથી યોજાઇ. આ ઉપરાંત મામેરાની વિધિ સાદગીપૂર્વક યોજાશે. સરસપુરના રણછોડ મંદિરથી માત્ર બે લોકો આવી મામેરાની વિધિની ઔપચારિકતા પૂરી કરશે.આમ, આ વખતે મામેરાની વિધિનું પણ સંપૂર્ણ સાદગીપૂર્વક આયોજન થશે. મંદિરના દ્વાર ખોલવામાં આવશે પછી પણ જગન્નાથજી મંદિરમાં ભકતો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેની તકેદારી રાખવામાં આવશે.

નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બે દિવસ અગાઉ યોજાતી નેત્રોત્સવની વિધિનું પણ અનેરું મહત્વ હોય છે. જોકે, આ વખતે ૨૧ જૂને નેત્રોત્સવની વિધિ છે ત્યારે જ સૂર્યગ્રહણ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું છે. જેમાં વ્યતિપાત મહાપાત રાત્રે ૧૧.૨૭ સુધી છે. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ સવારના સમયે યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ યોજાશે.

(11:27 am IST)