Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મધ્યાહન ભોજન યોજનાના સવા લાખ વિદ્યાર્થીઓને ફૂડ સિકયુરીટી એલાઉન્સ અપાયું

રાજકોટ તા. ૫ : સરકાર દ્વારા 'મધ્યાહન ભોજન યોજના' અમલી છે.  આ યોજના હેઠળ સંવેદનશીલ રાજય સરકારે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ફુડ સિકયુરીટી એલાઉન્સ ચુકવાવાનો નિર્ણય લીધો છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના વડપણ હેઠળની રાજય સરકારે આ નિર્ણય લઈને કોરોના સંક્રમણને કારણે બંધ રહેલ પ્રાથમિક શાળાઓના ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોના હિતનું ધ્યાન રાખ્યું છે.

જે અંતર્ગત રાજકોટ જિલ્લાના તાલુકાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નોંધાયેલ ધોરણ ૧થી ૫ના કુલ ૮૨,૭૬૬ અને ધોરણ ૬થી ૮ના કુલ ૪૬,૨૬૭ વિદ્યાર્થીઓ મળી કુલ ૧ લાખ ૨૯ હજારથી વધુ બાળકો માટે રૃપિયા ૫૨૦.૯૧ લાખ કુકીંગ કોસ્ટ અને ૧૦૬૪૫.૦૨ કિવન્ટલ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

ચાર તબક્કામાં શરૃ કરેલ કુકીંગ કોસ્ટ રકમ અને અનાજ ફાળવણીની કામગીરીના ત્રણ તબક્કા પૂર્ણ થઈ ગયેલ છે. જેમાં ચોથા તબક્કામાં જસદણ, જામકંડોરણા, જેતુપર અને ઉપલેટા  તાલુકામાં આ કામગીરી પૂર્ણ થઈ છે. અન્ય તાલુકામાં આ કામગીરી પ્રગતિમાં છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડાની યાદીમાં જણાવાયું છે.

(10:45 am IST)