Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

૨૬ જૂનથી ૪ જુલાઈ વચ્ચે રાજ્યમાં વરસાદની એન્ટ્રી

૧૦-૧૬ જૂનમાં દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસૂન : અમદાવાદમાં ૨૩ જુન સુધીમાં પ્રિ મોનસૂન પ્રવૃત્તિ શરૂ

અમદાવાદ,તા. ૫ :       છેલ્લાં બે વર્ષથી રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ મોડું શરૂ થાય છે. આ વર્ષે પણ દેશમાં ચોમાસાનું આગમન મોડું હોવાથી ગુજરાતમાં ચોમાસુ મહિનાના ત્રીજા અઠવાડિયાથી જયારે અમદાવાદમાં તા.૨૬ જૂનથી તા.૪ જુલાઈ વચ્ચે વરસાદની પધરામણી થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ગુજરાતમાં તા.૧૦થી ૧૬ જૂનમાં પ્રિ-મોન્સૂન એકટીવીટી બાદ થશે. ચોમાસાને લઇ છેલ્લાં દસ વર્ષનાં આંકડા જોઇએ તો, રાજ્યમાં સૌથી મોડું ચોમાસું તા.૧૩-૧૪ જુલાઇ, ૨૦૧૪માં અને સૌથી વહેલું ચોમાસુ તા. ૧૧ જુન, ૨૦૧૩માં શરૂ થયું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં મહિનાનાં ત્રીજા અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થશે. આ વર્ષે તા.૮ જૂનથી કેરળ અને બીજા અઠવાડિયામાં મુંબઇમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જો કે, ગુજરાતમાં તા.૧૦થી ૧૬ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થશે. અમદાવાદમાં તા.૧૬થી ૨૩ જુન વચ્ચે પ્રિ મોન્સૂન એકટીવીટી શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતાં અઠવાડિયાથી (તા.૧૦થી ૧૬ જુન ) વચ્ચે નીચલા લેવલનાં પવનોની પેટર્ન અને દિશા બદલાશે, જેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ગરમી ઘટશે. હાલનાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે, છતાં ભેજને લીધે બફારાનું પ્રમાણ વધશે. રાજ્યમાં દિવસે ચાલુ રહેલા ગરમ પવનોની અસરોથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૩.૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ૪૨થી ૪૩ ડિગ્રીની આસપાસ રહેતાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા પણ હવામાન વિભાગે સેવી છે. મોનસુનને લઈને હાલમાં ચર્ચા છે.

(8:09 pm IST)