Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જૂના જોગીની ટુકડીને રિપીટ કરવાની શકયતા પણ ઓછી

રોડ-રસ્તા કાંડને લઇ નવી ટર્મની રચના પડકારરૂપ : ૨૦૧૯ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા પાટીદાર સહિત પરિબળોના આધારે નિર્ણય થવાની વકી

અમદાવાદ,તા.૫ : રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેક વર્ષ ર૦૦પથી ભાજપનું શાસન છે ગત ઓક્ટોબર ર૦૧પમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને સતત ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળતા મળી હતી.     જો કે હાલના સત્તાધીશો માટે પ્રથમ વર્ષની ટર્મનો આ સમયગાળો કૌભાંડોના લીધે પડકારભર્યો બન્યો છે. તેમાં પણ ગત ચોમાસામાં રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાતાં તંત્રની સાથેસાથે શાસક પક્ષની આબરૂના પણ લીરેલીરા ઊડતાં ટોચના છ હોદ્દેદારોને બીજી અને અંતિમ વર્ષની ટર્મ માટે 'રિપિટ' કરાય તેવી શકયતા નહીંવત્ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મેયરપદે ગૌતમ શાહ છે, હવેની નવી ટર્મમાં મેયર પદ મહિલા સભ્ય માટે અનામત છે. જો કે ભાજપ હાઇકમાન્ડ અત્યારના ચર્ચાસ્પદ નામના બદલે આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર સહિતના જ્ઞાતિવાદ ફેકટર આધારિત નિર્ણય કરે તેવી પુરેપુરી શકયતા છે. બીજી તરફ અત્યારની ટર્મમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, પક્ષના દંડક અને એએમટીએસના ચેરમેન એમ ટોચના છ હોદ્દેદાર પૈકી કોઇની અન્ય હોદ્દા માટે પસંદગીની સંભાવના નહીંવત્ છે. ગત ચોમાસાના રૂ.૪પ૦ કરોડના રોડનાં કૌભાંડ ઉપરાંત નગરી હોસ્પિટલમાં મોતિયાના ૧૬ દર્દીના અંધાપાકાંડ બાદ એક મહિનામાં એલજી હોસ્પિટલમાં પણ અંધાપાકાંડ, નિકોલ ડિમોલિશનમાં ચાર નિર્દોષ લોકોનાં મોત, લખુડી તળાવ આવાસ કૌભાંડ, વીએસ હોસ્પિટલ રસીદ કૌભાંડ, હલકી ગુણવત્તાના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનાં બાંધકામનું કૌભાંડ, નવા પશ્ચિમ ઝોનમાં નાણાં વિભાગના સ્ટાફનું નાણાકીય ઉચાપતનું કૌભાંડ, કોમ્પ્યુટરની ખરીદીનું કૌભાંડ, ડિસિલ્ટિંગ કૌભાંડ, ઇમ્પેક્ટ ફીનું કૌભાંડ સહિતના કાંડ અને કૌભાંડ પ્રકાશમાં આવ્યા હોઇ ભાજપ હાઇકમાન્ડ એકપણ ટોચના હોદ્દેદારને રિપિટ કરે તેવી શકયતા ઓછી જણાઇ રહી છે. પહેલાં કોઇ હોદ્દેદાર ડેપ્યુટી મેયર બન્યા બાદ પક્ષના નેતા પદે બિરાજમાન થયા છે તો મેયર થયા બાદ અન્ય કમિટીનું ચેરમેનપદ સંભાળ્યું છે. પરંતુ નવા હોદ્દેદારોની આવી રીતે 'મ્યુઝિકલ ચેર'ની રમત રમાય તેવી સંભાવના નજરે પડતી નથી. જેના કારણે આશ્ચર્યજનક નામની જાહેરાત કરાય તે પ્રકારની ચર્ચા હાલ તો અમ્યુકો વર્તુળમાં ચાલી રહી છે.

(8:34 pm IST)
  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST

  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST