Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

અમદાવાદમાં રામકૃષ્ણ મઠ કેન્દ્રનો પ્રારંભ

અમદાવાદમાં સિંધુ હોલમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદ કેન્દ્રનો ભવ્ય પ્રારંભ થયો હતો. રામકૃષ્ણ સંઘના દેશવિદેશનાં ૨૨૫ કેન્દ્રોમાંથી ગુજરાત રાજ્યમાં રાજકોટ, લીંબડી, પોરબંદર અને વડોદરા એમ ચાર કેન્દ્ર છે. આ મંગલદિને પાંચમાં કેન્દ્રરૂપે 'રામકૃષ્ણ મઠ, અમદાવાદ 'અસ્તિત્વમાં આવ્યો છે. જો કે અત્યારે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પેટા કેન્દ્ર રૂપે કાર્ય કરશે. આ જાજરમાન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા વિધાન સભ્યો ભુપેન્દ્રભાઇ પટેલ, નિર્મલાબેન વાઘવાણી, અમદાવાદના મેયર ગૌતમ શાહ, સમગ્ર રામકૃષ્ણ મઠ - મિશનના મહાસચિવ  સ્વામી સુવીરાનંદ મહારાજ, મિશનના અન્ય સ્વામીજીઓ અને પ્રતિષ્ઠીત  નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ રામાનંદજીએ પ્રાસંગીક ઉદબોધન કર્યા બાદ  મઠ મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદ  મહારાજે અમદાવાદ કેન્દ્રના  દસ્તાવેજો સ્વીકારર્યા હતા. તેમજ સરકાર તરફથી અમદાવાદની આસપાસ ૧૦ કિ.મી. રામકૃષ્ણ મઠને વિવિધ સેવાકિય પ્રવૃતિઓ કરવા માટે જમીન ફાળવે એવી અપેક્ષા વ્યકત કરી હતી.  વરિષ્ઠ સંન્યાસી સ્વામી આદિભવાનંદજીએ જણાવ્યુ હતુ કે તમારા જીવનમાં  કંઇક પ્રાપ્ત કરવું હોય તો સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વાંચન કરો. આ પ્રસંગે સ્વામી આત્મદિપાનંદ (પોરબંદર), સ્વામી ગુણાશ્રયાનંદ (લીંબડી), સ્વામી ઈષ્ટમયાનંદ (વડોદરા) તેમજ ગુજરાતના અન્ય કેન્દ્રોના પ્રતિનિધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)