Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આરોપી સીબીઆઇ ઇન્સ્પેકટરને ગુજરાત બહાર મેઘાલય બદલાયાઃ સીઆઇડી ટીમો ૩ રાજયો ફંફોળી રહી છે

બીટકોઇન્સ મામલો બંન્ને પાર્ટની તપાસ ખાનગીમાં આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં પુરજોશથી ચાલી રહી છે : નલીન કોટડીયા-શૈલેષ ભટ્ટ પર ભીંસ વધારવા મિલ્કત જપ્તીની કાર્યવાહી સાથોસાથ દેશભરમાં તેમના ફોટા સાથેના પોસ્ટરો માટે કાયદાકીય ડ્રાફટને આખરી ઓપ

રાજકોટ, તા., પઃ સમગ્ર રાજયમાં ભારે ચકચારી બનેલ કરોડોના બીટ કોઇન્સ મામલાની બે તબક્કામાં ચાલતી સીઆઇડી તપાસમાં પ્રથમ ભાગના ફરીયાદી શૈલેષ ભટ્ટની ફરીયાદ સંદર્ભેની તપાસમાં શૈલેષ ભટ્ટ દ્વારા ગુજરાતના ગાંધીનગર સ્થિત સીબીઆઇ યુનીટના સુનીલ નાયર સામે પોતાને ચોક્કસ બાબતોએ બ્લેક મેઇલ કરી રૂ. પ કરોડ પડાવી લીધાની ફરીયાદ સંદર્ભે  સીઆઇડીએ પ્રાથમીક તપાસ તથા ચોક્કસ નિવેદનો સાથે સીઆઇડી વડા આશિષ ભાટીયાએ સીબીઆઇ હેડ કવાર્ટરને આપેલ રીપોર્ટ આધારે આરોપી સુનીલ નાયરને સીબીઆઇએ ગુજરાત બહાર અર્થાત મેઘાલય (શીલોંગ) ખાતે બદલી નાખ્યાનું સુત્રો જણાવે છે.

ફરીયાદી શૈલેષ ભટ્ટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને અમરેલીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર અનંત પટેલ સામે બીટકોઇન્સ પડાવી લેવા  માટે પોતાનું અપહરણ કર્યાની ફરીયાદ નોંધાવી તે સમયની તપાસમાં શૈલેષ ભટ્ટે સીબીઆઇ ઇન્સ્પેકટર સુનીલ નાયરે પણ પોતાને બ્લેક મેઇલ કરી રૂ. પ કરોડ પડાવ્યાની ફરીયાદ કરી હતી. બાબત સીબીઆઇને લગત હોય સમગ્ર બાબતે સીબીઆઇને જાણ કરાતા સીબીઆઇ દ્વારા ખાતાકીય તપાસ સુનીલ નાયર સામે શરૂ થઇ હતી.  અને દરમિયાન તેમની બદલીનું આ પગલુ લેવાયું છે.

દરમિયાન સીઆઇડી સુત્રોના કથન મુજબ પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા અને શૈલેષ ભટ્ટ ચોક્કસ રાજયોમાં હોવાની માહીતી સીઆઇડી વડા આશિષ ભાટીયાને ખાનગી રાહે મળતા તેઓએ તુર્ત જ આ બાબતને ગંભીરતાથી લઇ ૩ ટીમો દેશના ૩ રાજયમાં મોકલ્યાની પણ ચર્ચા છે.

આ અગાઉ અકિલામાં અપાયેલ નિર્દેશ મુજબ સીઆઇડીના ૩-૩ સમન્સની અવગણના કરનાર પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા અને બીટકોઇન્સ પાર્ટ-રની તપાસ અને બીટકોઇન્સ-પાર્ટ-૩ની તપાસ કે જેમાં વડોદરા પંથકના કરજણની કરોડોની જમીનનો ગફલો હોવાની ફરીયાદ નોંધાઇ રહયાના અણસાર આવતા નાસી છુટેલા શૈલેષ ભટ્ટને શોધવા માટે સીઆઇડી દ્વારા તેની મિલ્કતો જપ્ત કરવા માટે અદાલતની મંજુરી મેળવવાની પ્રક્રિયા સાથે દેશભરમાં  ઉકત બંન્નેના ફોટાઓ સાથેના પોસ્ટરો લગાડવા માટે ચોક્કસ પ્રકારની મંજુરી મેળવવાની પ્રક્રિયાને પણ આખરીઓપ અપાઇ રહયાનું પણ સીઆઇડી સુત્રોમાંથી બહાર આવ્યું છે.

(12:36 pm IST)