Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આ વર્ષે વરસાદ 12થી 14 આની રહેશે :વર્ષા વિજ્ઞાનના 59 અવલોકનકારોનું તારણ

શીયાળાનાં કસ, દનૈયાનો તપારો, અખાત્રીજનાં વાયરા,પવનની અનુકૂળતા,વનસ્પતિના લક્ષણના અભ્યાસ પરથી વર્તારો

 

અમદાવાદ : વર્ષે વરસાદ 12 થી 14 આની થશે તેમ વર્ષા વિજ્ઞાનના 59 અવલોકનકારોનું તારણ છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચોમાસુ સામાન્ય એટલે સારુ રહેશે. હવામાન ખાતા ઉપરાંત વર્ષા વિજ્ઞાના અવલોકનકારો પણ કહે છે કે, વર્ષે વરસાદ 12થી 14 આની રહેશે એટલે કે સારુ રહેશે.

  જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં પરિસંવાદ યોજાયો હતો.

  સૌારાષ્ટ્રની ખેતી અને ખેડુતોનાં વિકાસને ધ્યાને રાખીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાનમંડળ દ્વારા યોજીત વર્ષા વિજ્ઞાન પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. .આર. પાઠકે જણાવ્યુ હતુ કે કૃષિ અવલોકનકારોનો પૈારાણિક વારસો જીવંત રહે અને કૃષિ પ્રયોગશીલ ખેડુતોની કોઠાસુઝને વિજ્ઞાન સાથે સંકલીત કરવાનો પ્રયાસ લાભપ્રદ બની રહેશે
   અવલોકનકારો ભડલીવાક્યો, વનસ્પતિનાં લક્ષણો, પશુપક્ષીની ચેષ્ટાઓ, અખાત્રીજનાં પવનો, જ્યોતીષ વિદ્યા, ખગોળ વિજ્ઞાન, વાદળનો કસ, વસંતમાં આવેલા ફૂલ, ચૈત્રના દનીયા, પાનખરની ઋતુ, મે માસનું તાપમાન, વૃક્ષોના ફળો વગેરેનાં પોતપોતાનાં અવલોકનોના આધારે આવનાર વર્ષનું પૂર્વાનુમાન કરતા હોય છે. આવા જાણકારો પોતાનાં અભ્યાસ, લાંબાગાળાનો અનુભવ તેમજ તેઓ પાસે રહેલ જ્ઞાનને આધારે આગાહી કરે છે.”

  આવનાર ચોમાસામાં કેવો અને કેટલો વરસાદ થશે તે અંગે વર્ષાવિજ્ઞાનનાં જાણકારોએ બાર થી ચૈાદ આની વર્ષ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ઊમરાળા ગામનાં નાનજીભાઇ રંગાણીએ શીયાળાનાં કસ, દનૈયાનો તપારો, અખાત્રીજનાં વાયરા, ઉપરથી વરતારો વ્યક્ત કરતા જણાવ્યુ છે કે વર્ષ ૧૪ આની રહેશે, તો મોરૂકા ગીરના મોહનભાઇ દલસાણીયાએ અધિક માસનાં અગાઉના વર્ષોનાં અભ્યાસ અને કસનું બંધારણ-પવનની અનુકુળતા જેવા મુદાઓ પર અભ્યાસ કરી અનુમાન વ્યક્ત કરેલું છે કે વરસ ૧૨ આની એટલે કે સારુ રહેશે. વંથલીનાં રમણીકભાઇ વામજાએ વર્ષને ૧૬ આની લેખાવી અનુમાન વ્યક્ત કરતા જણાવ્યુ કે આકાશમાં કસ સારા, વનસ્પતિના લક્ષણ સારા, ઉતાસણી અને અખાત્રીજનો પવન સારો હોય વરસાદ સાનુકુળ રહેશે. સીદસર ગામનાં ગીરધરભાઇ બેચરાએ પણ તેમના અવલોકનો પરથી વર્ષ ૧૬ આની રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

  સને ૧૯૯૦માં ડો. ..ખેરનાં માર્ગદર્શન હેઠળ ડો. મુન્શી, ડો. ગુંદાલીયા, અને કૃષિ યુનિ.નાં સહયોગથી આજે ૨૫ વર્ષથી વરસાદી વરતારા માટે અવલોકનકારો તેમનાં ભડલી વાક્યો, શતવૃષભાવકુંડળી, મયુર ચિત્રકામ, મેઘમાલા, વૃષ્ટી પ્રબોધ તેમજ પશુપક્ષીઓની ચેષ્ટાઓ, લોકવાયકાઓ, ખગોળવિજ્ઞાન, ઋતુમાં થતાં પરીવર્તનો, વનસ્પતિમાં જોવા મળતા બદલાવને ધ્યાને લઇ મેળવાતા તારણોમાં આધુનીકતા આવે અવલોકનકાર વૈજ્ઞાનીક તથ્યોને સમજીને અવલોકન સચોટ કરી શકે તે માટે ભેજમાપક યંત્ર, તાપમાનમાં થતાં બદલાવના અવલોકન માટે તાપમાનમાપક યંત્ર, પવન દીશા સુચકયંત્ર આગાહીકારોને વિનામુલ્યે આપવામાં આવ્યા હતા.

  ગત વર્ષે અભ્યાસુઓએ રજુ કરેલા અવલોકન પૈકી પ્રેમજીભાઇ બોરડ અને અરજણભાઇ ખાંભલાને પ્રથમ, બાવનજીભાઇ ગજેરાને દ્વિતિય અને તૃતિય સ્થાને પરશોત્તમભાઇ રાજાણીએ રજુ કરેલા તારણો શ્રેષ્ઠ રહ્યા હતા. જેમને શાલથી સન્માનિત કરાયા હતા.

(11:09 pm IST)